- Advertisement -
ખંભાળિયાના અશોક ઉદ્યોગનગર વિસ્તારમાંથી આજથી આશરે ત્રણેક દિવસ પૂર્વે એક મિલમાં રાખવામાં આવેલું રૂ. 1.65 લાખની કિંમતનું 918 કિલોગ્રામ જીરૂ ચોરી થયાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. આ સંદર્ભે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ આદરી સીસીટીવી કેમેરા તેમજ સ્થાનિક પોલીસ સ્ટાફના વિરેન્દ્રસિંહ જાડેજા, જેઠાભાઈ પરમાર તથા કાનાભાઈ લુણાને મળેલી બાતમી આધારે ખંભાળિયામાં વાય.કે.જી.એન. સોસાયટી પાછળ મીરાજ પાર્ક ખાતે રહેતા અખતર હનીફ કાસમ સેતા (ઉ.વ. 20) અને તેના પિતા હનીફ કાસમ સેતા (ઉ. વ. 45) નામના બે શખ્સોને ઝડપી લીધા હતા.
પકડાયેલા આ પિતા-પુત્ર પાસેથી ચોરી કરવામાં આવેલું રૂપિયા 1,65,240 ની કિંમતનું જીરૂ ઉપરાંત આ જીરૂની ચોરી કરવા માટે ઉપયોગમાં લીધેલો રૂપિયા એક લાખની કિંમતનો જી.જે. 10 વાય 5516 નંબરનો છકડો રીક્ષા તેમજ રૂપિયા 5,500ની કિંમતના બે નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 2,70,740 નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ સમગ્ર કાર્યવાહી અહીંના પી.આઈ. કે.એન. ઠાકરીયા, હેડ કોન્સ્ટેબલ હેમતભાઈ નંદાણીયા, ખીમાભાઈ કરમુર, દિવ્યરાજસિંહ જાડેજા, પ્રદીપસિંહ જાડેજા, જેઠાભાઈ પરમાર, વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા, યોગરાજસિંહ દિલીપસિંહ જાડેજા અને કાનાભાઈ લુણા દ્વારા કરવામાં આવી હતી.
જે મિલમાં ચોરી થઈ હતી તે મિલમાં અગાઉ અખ્તર હનીફ સેતા નોકરી કરી ચુક્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. આ શખ્સોને તપાસનીસ અધિકારી પી.એસ.આઈ. એમ.જે. સાગઠીયા દ્વારા આવતીકાલે રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે.
- Advertisement -