કાલાવડ તાલુકાના ચારણ પીપળિયા ગામના સીમ વિસ્તારમાં આવેલા ખેતરમાં નિંદ્રાધિન આદિવાસી યુવાન ઉપર અજાણ્યા શખ્સોએ પથ્થર વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડયાના બનાવમાં સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.
બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના ચારણ પીપળિયા ગામના સીમ વિસ્તારમાં રસીકભાઈ રામાણીની વાડીમાં ખેતીકામ કરતો રવિ મોહનસિંહ બધેલ (ઉ.વ.25) નામનો યુવાન ગત તા.28 ના રાત્રિના સમયે ખેતરમાં ખાટલા ઉપર નિંદ્રાધિન હતો ત્યારે અજાણ્યા શખ્સોએ ખેતરમાં ઘુસી નિંદ્રાધિન રવિ ઉપર પથ્થર વડે માથામાં, કપાળમાં તથા શરીર ઉપર આડેધડ માર મારી ગંભીર ઈજા પહોંચાડી લોહી લુહાણ કરી નાખ્યો હતો. ત્યારબાદ ગંભીર રીતે ઘવાયેલા રવિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ એચ.વી. પટેલ તથા સ્ટાફે રવિના પિતા મોહનસિંહના નિવેદનના આધારે અજાણ્યા શખ્સો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
દરમિયાન સારવારમાં રહેલાં રવિ મોહનસિંહ બધેલ નામના યુવાનનું મોત નિપજતાં બનાવ હત્યામાં પલ્ટાયો હતો અને પોલીસે હુમલાખોરોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કરી બનાવમાં હત્યાની કલમનો ઉમેરો કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.