જામનગર શહેરના હવાઈ ચોક વિસ્તારમાં આવેલા સોનીફળીમાં રહેતાં વેપારી યુવાને તેના ઘર પાસે દારૂ પીવાની ના પાડતા પાંચ શખ્સોએ તલવાર, ધોકા અને પાઈપ વડે હુમલો કરતા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં હવાઈ ચોક નજીક સતનારાયણના મંદિર પાસે રહેતો વિશાલ અશોકભાઇ મોનાણી નામનો યુવાન બુધવારે રાત્રિનાસમયે તેના ઘર પાસે બેઠો હતો ત્યારે વંસરાજ સહિતના પાંચ શખ્સો દારૂ પીવા આવ્યા હતાં જેથી વિશાલે તેના ઘર પાસે દારૂ પીવાની ના પાડતા લુખ્ખા તત્વોએ યુવાન ઉપર ધોકા, પાઈપ અને તલવાર જેવા હથિયારો વડે આડેધડ ઘા મારી જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા વિશાલને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા સીટી એ ડીવીઝન પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી.
શહેરના અમુક વિસ્તારોમાં રાત્રિના સમયે આવા લુખ્ખા તત્વો દારૂની મહેફીલો માણતા હોય છે અને ખુલ્લેઆમ બેખોફ થઈ દારૂ પીતા હોય છે. આ વિસ્તારના લોકો દ્વારા મહેફીલ માણવાની ના પાડવામાં આવે તો લુખ્ખાઓ દ્વારા હુમલો કરવામાં આવે છે. આવી સમસ્યા શહેરના અનેક વિસ્તારોમાં વકરી રહી છે. પોલીસે ખરેખર તો શહેરના વિસ્તારોમાં ખુલ્લેઆમ દારૂની મહેફીલ માણતા લુખ્ખા તત્વો ડામવા માટે કડક પગલાં લેવા જોઇએ તેવી લોકમાંગણી ઉઠી રહી છે.