જામનગર શહેરના 58 દિ.પ્લોટ વિસ્તારમાં કુતરાને પથ્થર મારવાનો ખાર રાખી પાંચ શખ્સોએ બે યુવાનો ઉપર લોખંડના પાઈપ અને ધોકા વડે જીવલેણ હુમલો કરી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ભોગ બનનારના નિવેદનના આધારે ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગરના દિ.પ્લોટ 49 માં રહેતાં ભરતભાઈ મંગે નામના યુવાનનો ભત્રીજો જયદિપ દૂધ લેવા જતો હતો ત્યારે શેરીમાં કૂતરાઓ પાછળ પડતા તેને પથ્થર મારતા આ પથ્થર માધવજી ચાંદ્રાના ઘર પાસે જવાથી આ બાબતનો ખાર રાખી ગત ગુરૂવારે રાત્રિના સમયે માધવજી ચાંદ્રા, મિલન ચાંદ્રા, વિશાલ ગોસ્વામી, અમિત ભદ્રા અને ખુશાલ ગોસ્વામી સહિતના પાંચ શખ્સોએ એકસંપ કરી જયદીપ ઉપર લાકડાના ધોકા વડે અને લોખંડના પાઈપ વડે જીવલેણ હુમલો કરી મારી નાખવાની ધમકી આપતા લોહી લુહાણ હાલતમાં ઢળી પડયો હતો. ભત્રીજા જયદીપ ઉપર હુમલા બાદ તેના કાકા ભરતભાઈ મંગે ઉપર પાંચ શખ્સોએ લોખંડના પાઈપ વડે હુમલો કરી ઢીકાપાટુનો માર મારી કાકા-ભત્રીજાને પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા કાકા-ભત્રીજાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
બનાવની જાણ થતા પીએસઆઈ બી.એસ.વાળા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ ઈજાગ્રસ્ત ભરતભાઈના નિવેદનના આધારે પાંચ શખ્સો વિરૂધ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી હુમલાખોરોની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.