લાલપુર તાલુકાના મેઘના ગામના પાટીયા નજીક આવેલા પરોઠા હાઉસમાં રોટલા લેવાની બાબતે થયેલી બોલાચાલી બાદ સાત શખ્સોએ એક સંપ કરી લાકડાંના ધોકા અને લોખંડના પાઇપ વડે યુવાન અને મહિલા સહિતના ત્રણ વ્યકિતઓ ઉપર હુમલો કરી પરોઠા હાઉસના કાઉન્ટર ઉપર તેમજ પાર્કિંગમાં પડેલા વાહનોમાં પાઇપ તથા ધોકામારી નુકસાન પહોંચાડવાની ઘટનામાં પોલીસે ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ આંરભી હતી.
બનાવની વિગત મુજબ લાલપુર તાલુકાના મેઘના ગામના પાટીયા પાસે આવેલા જય પીઠળ માલધારી પરોઠા હાઉસમાં 15 રોટલાનો ઓડર આપ્યો હતો અને બનાવેલા 15 રોટલા લેવા ન આવતાં હોટલના રાજુભાઇ ઉર્ફે કારૂ કાના ઓડેદરા અને પરિવારજનોએ આ રોટલા જમવા માટે ઉપયોગમાં લઇ લીધા હતાં ત્યારબાદ અજાણ્યો શખ્સ રોટલા લેવા હોટલે આવ્યો હતો અને પરંતુ રોટલા ન હોવાથી આવેલા શખ્સે સંજય મેર સાથે રાજુ અને રંભીબેનને ફોન ઉપર વાત કરાવી હતી તે દરમ્યાન સંજયે બંન્ને વ્યકિતઓને ફોનમાં અપશબ્દો બોલ્યા હતાં.
ત્યારબાદ સંજય મેર(શાપર), કેશુ મેર(નવાગામ) અને પાંચ અજાણ્યા સહિતના સાત શખ્સો પરોઠા હાઉસે એકસંપ કરી આવી પહોંચ્યા હતાં જયાં રંભીબેન ઉપર લોખંડના પાઇપ વડે અને લાકડાના ધોકા વડે તથા ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ વચ્ચે પડેલાં રાજુભાઇ ઓડેદરા નામના યુવાન ઉપર લોખંડના પાઇપ અને લાકડાંના ધોકા વડે તેમજ ઢીકા પાટુનો માર મારી જીવલેણ ઇજા પહોંચાડી હતી. ઉપરાંત મીલનભાઇ નામના વ્યકિત ઉપર અજાણ્યા શખ્સોએ લાકડાના ધોકા અને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ સાત શખ્સોએ હોટલના કાઉન્ટર અને ફ્રીઝ તથા કાચની બરણીઓ ઉપરાંત પાર્કિંગમાં રહેલા વાહનોમાં પાઇપ અને ધોકાના આડેધડ ઘા ઝીંકી નુકસાન પહોંચાડયું હતું. રાયોટીંગ અને હુમલાના બનાવમાં ઘવાયેલા ત્રણ વ્યકિતઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જયા બનાવની જાણ થતાં પીએસઆઇ ડી.એસ.વાઠેર તથા સ્ટાફે રાજુભાઇના નિવેદનના આધારે સાત શખ્સો વિરૂધ્ધ રાયોટીંગ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.