જામનગર શહેરમાં બેડી બંદર રોડ પર મંગળવારે સાંજના સમયે કરચલા પકડવાની બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી બે શખ્સોએ પૂર્વ આયોજિત કાવતરુ રચી બાઇક પર જતાં બે યુવાનોને આંતરીને છરીના ઘા ઝીંકી હત્યાના પ્રયાસના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
હત્યાના પ્રયાસના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં માધાપર ભુંગા વિસ્તારમાં રહેતો અસગર કાસમ સંઘાર નામના યુવાન તથા તેના પિતરાઇને ફિરોજ ગંઢાર સાથે કરચલા પકડવાની બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ ઝઘડાના મનદુ:ખમાં ફીરોજના સગા સબીર કાસમ છરેચા અને અનવર હાજી છરેચા નામના બે શખ્સોએ પૂર્વ આયોજિત કાવતરુ રચી મંગળવારે સાંજના સમયે અસગર સંઘાર અને અબુભાઈ જામસુંભણિયા નામના બંને માછીમારો બાઈક પર પસાર થતા હતાં ત્યારે બેડી બંદર રોડ પર રંગમીલ નજીક આંતરી લીધા હતાં. સબીર અને અનવર તથા ચાર અજાણ્યા સહિતના છ શખ્સોએ બંને યુવાનોને આંતરીને અસગરની હત્યા નિપજાવ્યાના ઈરાદે છરીના જીવલેણ ઘા ઝીંકયા હતાં. અસગર ઉપર જીવલેણ હુમલો થતા લોહી લુહાણ હાલતમાં ઢળી પડયો હતો. બાદમાં અસગરને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગેની જાણના આધારે ઈન્ચાર્જ પીઆઈ એન.એ. ચાવડા તથા સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો. જ્યાં પોલીસે અબુ જામ સુંભણિયાના નિવેદનના આધારે છ શખ્સો વિરૂધ્ધ પૂર્વ આયોજિત કાવતરુ રચી હત્યાના પ્રયાસ અને રાયોટીંગનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.