ખંભાળિયાના પાદરમાં ગત્ રાત્રિના બે વાગ્યે રાજકોટથી કલ્યાણપુરના ગઢકા ગામે જઈ રહેલી એક ઈનોવા કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર સવાર બે પિતરાઈ ભાઈઓના ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યા હતા.
અકસ્માતના બનાવની વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામે રહેતા પરાક્રમસિંહ ભરતસિંહ જાડેજા નામના 50 વર્ષના ક્ષત્રિય યુવાનનો 25 વર્ષનો પુત્ર પ્રતિપાલસિંહ પરાક્રમસિંહ જાડેજા તેના પિતરાઈ ભાઈ પ્રીતરાજસિંહ યોગેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ. 18, રહે. ગઢકા) સાથે ગઈકાલે રાજકોટ ખાતે કામસર નીકળ્યા હતા. જ્યાંથી તેઓ ગત્રાત્રે પોતાના ગઢકા ગામે પરત ફરી રહ્યા હતા, ત્યારે ખંભાળિયા નજીક પહોંચતા હાઈવે પર આવેલા ભાજપ કાર્યાલય નજીક પહોંચતા આ માર્ગ પર પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક આવી રહેલા જીજે36-યુ-5577 નંબરના એક ટ્રકના ચાલકે ઇનોવા કાર સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે આ કારમાં જઈ રહેલા પ્રતિપાલસિંહ પરાક્રમસિંહ જાડેજા (ઉ.વ. 25) અને તેના પિતરાઈ ભાઈ પ્રીતરાજસિંહ યોગેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ. 18)ના ગંભીર ઈજાઓ થવાના કારણે કરુણ મૃત્યુ નિપજ્યા હતા.
અકસ્માત સર્જીને ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો. આ સમગ્ર બનાવ અંગે પરાક્રમસિંહ ભરતસિંહ જાડેજાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે ટ્રકના ચાલકે બી.એન.એસ. તેમજ એમ.વી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ આર.જે. હુણ દ્વારા હાથ ધરવામાં આવી છે. અકસ્માતના આ બનાવે મૃતકના પરિવારજનોમાં આક્રંદ સાથે ઘેરા શોકની લાગણી પ્રસરાવી હતી.


