ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ફરી કેન્દ્ર સરકારને ઘેરી હતી અને કહ્યું હતું કે કેન્દ્ર સરકારે ખેડૂતોની સાથે વિશ્ર્વાસઘાત કર્યો છે. વચનો આપીને ફરી ગઇ છે, જેને પગલે દેશભરના ખેડૂતો 31મી જાન્યુઆરીએ વિશ્ર્વાસઘાત દિવસ મનાવશે અને પોતાનો વિરોધ વ્યક્ત કરશે. ખેડૂતોનો આરોપ છે કે કેન્દ્ર સરકારે ટેકાના ભાવનો કાયદો, આંદોલનકારી ખેડૂતો સામેના કેસો પરત લેવા, અને આંદોલન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોના પરિવારને વળતર આપવાના વચનોથી સરકાર ફરી ગઇ છે. ટિકૈતે મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે 31મી જાન્યુઆરીએ પુરા દેશમાં વિરોધ દિવસ મનાવવામાં આવશે. અમારી માગ છે કે કેંદ્ર સરકારે ખેડૂતોને જે વચનો આપ્યા હતા તેને પુરા કરે. અમે સરકારને આ વચનો પુરા કરવા માટે પુરતો સમય આપ્યો છે. પણ સરકાર તેને પુરી કરવા માટે કોઇ જ તૈયારી નથી દેખાડી રહી.
જેને પગલે અમે 31મી જાન્યુઆરીએ પુરા દેશમાં વિશ્વાસઘાત દિન મનાવવાની જાહેરાત કરી છે. નોંધનીય છે કે કેન્દ્ર સરકારે આ માગણીઓને સ્વિકારવાની લેખીતમાં ખેડૂતોને ખાતરી આપી હતી જે બાદ એક વર્ષ સુધી ચાલેલા ખેડૂતોના આંદોલનને પરત લેવામાં આવ્યું હતું. હવે જ્યારે આ માગણીઓ નથી સ્વિકારાઇ તેવા આરોપો થઇ રહ્યા છે ત્યારે ખેડૂતો ફરી આંદોલન શરૂ કરે તેવા સંકેતો મળી રહ્યા છે. રાકેશ ટિકૈતની આ જાહેરાત એવા સમયે સામે આવી રહી છે જ્યારે ઉત્તર પ્રદેશમાં વિધાન સભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે.