ધ્રોલ તાલુકાના ભેંસદડ ગામના ખેડૂત આઠ જેટલા વ્યાજખોરોની ચૂંગલમાં ફસાઈ ખેતીની જમીન, મોટરકાર વગેરે ગુમાવ્યા હતાં. આ અંગે ખેડૂત દ્વારા આઠ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવતા ધ્રોલ પોલીસે આઠ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના ભેંસદડ ગામના ખેડૂત સુરેશભાઈ નરશીભાઈ ખોલિયા એ પોતાના કેન્સર પીડિત ભાઈની સારવાર માટે અલગ અલગ સાતેક લોકો પાસેથી અંદાજે 27 લાખ રૂપિયાની રકમ અલગ અલગ વ્યાજદરે લીધી હતી. જેની વ્યાજ સહિતની ચૂકવણી કરવા છતાં પણ વધુ રકમની ઉઘરાણી કરવામાં આવતી હતી અને ખેતીની જમીન તથા મોટરકાર પડાવી લીધા બાદ પણ ધાક-ધમકી આપવામાં આવતી હતી. આથી આઠ શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે. આરોપીએ પૈસા લેનારની ખેતીની જમીનના દસ્તાવેજો પોતાના નામે કરી લઇ કારનો કબ્જો લઇ લીધો હતો તેમજ કોરા ચેક મેળવી લીધા હતાં અને ફરિયાદીના ઘરને પણ તાળા મારી દીધા હતાં. જેથી ફરિયાદીએ પોલીસનો સહારો લીધો હતો.
આ અંગે સુરેશભાઈ નરશીભાઈ ખોલિયા દ્વારા જગદીશ હરીલાલ ખોલિયા, હરીલાલ નાથા ખોલિયા (ધ્રોલ), રાજકુમાર ચંદ્રસિંહ જાડેજા (પડાણા-જોડિયા), મુન્ના જાડેજા (નાના વાગુદડ-ધ્રોલ), વિભલ ઉર્ફે વિભલો નાગજી ભુંડિયા (લતીપર રોડ-ધ્રોલ), મુન્ના જાડેજા (હાડાટોડા, ધ્રોલ), હકુભા વેલુભા જાડેજા (હાડાટોડા, ધ્રોલ) તથા કડવા મચ્છા વહેરા (ભેંસદડ, ધ્રોલ) સહિતના આઠ શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ હતી.