Friday, December 5, 2025
Homeરાજ્યસૌરાષ્ટ્ર - કચ્છનવા વર્ષના પ્રારંભે જ રાજ્યના ખેડૂતોને માવઠાનો માર

નવા વર્ષના પ્રારંભે જ રાજ્યના ખેડૂતોને માવઠાનો માર

દક્ષિણ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદે ભૂક્કા કાઢયા : 11 ઈંચ સુધીનો તોફાની વરસાદ

અરબ સાગરમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ગુજરાતમાં શિયાળાની શરૂઆત પહેલા જ ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 152 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં 21 તાલુકા એવા રહ્યા જ્યાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

- Advertisement -

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસાએ વિદાય લીધા બાદ રહી રહીને માવઠુ વરસતા ખેડૂતોના હાલ બેહાલ થયા છે. મગફળી, કપાસ, સોયાબીન, સહિત પાકનો સોથ વળી ગયો છે. આજે સવાર સુધીમાં ભાવનગર જીલ્લાના મહુવામાં દે ધનાધન સાડા 11 ઇંચ વરસાદ પડયો છે. આ ઉપરાંત અમરેલી જીલ્લાના રાજુલામાં સાડા 9 ઇંચ, શિહોરમાં 6 ઇંચ વરસાદ પડયો છે.

જયારે અમરેલી જીલ્લાના જાફરાબાદમાં પ, સાવરકુંડલા-ઉનામાં 4, ભાવનગર, પાલીતાણા, જેશર, વલ્લભીપુરમાં સાડા 3 ઇંચ, ગારીયાધાર, તળાજા, ઉમરાળામાં અઢી ઇંચ, વરસાદ પડયો છે. આ વરસાદના કારણે મગફળી, કપાસ, સોયાબીન, સહિત શિયાળુ પાકનો સોથ વળી ગયો છે. મગફળીનાં પાથરા પલળી જતા ખેડૂતોને આર્થિક ફટકો પડયો છે. આજે સતત બીજા દિવસે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગોરંભાયેલુ વાતાવરણ યથાવત છે. અને સર્વત્ર વાદળા સાથે ઝરમર વરસાદ વરસી રહ્યો છે.

- Advertisement -

સૌરાષ્ટ્રના અનેક કોસ્ટલ બેલ્ટ વિસ્તારોમાં આખી રાત ધોધમાર વરસાદ વરસ્યો હતો. જાફરાબાદ શહેર સહિતના કોસ્ટલ બેલ્ટના ગ્રામ્ય વિસ્તારોમાં આખી રાત વરસાદ વરસ્યો. વડલી સહિત અનેક ગામોની શેરીઓ પાણીમાં તરબતર થઈ ગઈ અને દરિયાઈ વિસ્તારમાં પાણી ભરાયા હતા. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામમાં પણ વરસાદ નોંધાયો.

રાજુલાના ડુંગર માંડળ, ડુંગરપરડા, કુંભારીયા, દેવકા, બાલાપર, મસુનદડા સહિતના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ભારે વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદના કારણે ડુંગરની સ્થાનિક નદીમાં પૂર આવ્યું અને રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા.

- Advertisement -

અમરેલી જિલ્લાના મોટાભાગના ગ્રામ્ય પંથકોમાં કમોસમી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ખાંભાના ગ્રામ્ય પંથકમાં સતત આખી રાત વરસાદ વરસતા રાયડી ડેમ ઓવરફ્લો થયો હતો. ડેમનું જળસ્તર વધતા તેના પાંચ દરવાજા બે-બે ફૂટ ખોલવામાં આવ્યા છે, જેના પગલે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. પાંચ દરવાજા ખોલવામાં આવતા રાયડી નદી બે કાંઠે વહેતી થઈ છે.

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં પણ કમોસમી ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. શહેરના અંકલેશ્વર મહાદેવ રોડ, પ્રભારોડ, ચિત્રા ખાડી અને ભુરાવાવ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા, જેનાથી શિયાળાની શરૂઆતમાં જ ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ અને શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular