પંજાબના ખેડૂતોની દિલ્હી કૂચનો આજે (બુધવાર) બીજો દિવસ છે. ખેડૂતો શંભુ અને ખનૌરી બોર્ડરથી હરિયાણામાં પ્રવેશવાનો પ્રયાસ કરશે. કિસાન મજદૂર મોરચાના સંયોજક સર્વન સિંહ પંઢેરે કહ્યું કે તેઓ કોઈપણ સંજોગોમાં દિલ્હી જશે.તો હરિયાણાના 7 જિલ્લામાં ઇન્ટરનેટ પ્રતિબંધ 15 ફેબ્રુઆરીની મધ્યરાત્રિ 12 સુધી લંબાવવામાં આવ્યો છે. આ પ્રતિબંધ અંબાલા, કુરુક્ષેત્ર, કૈથલ, જીંદ, હિસાર, ફતેહાબાદ, સિરસામાં લાગુ રહેશે.અગાઉ મંગળવારે ખેડૂતો સવારે 10 વાગ્યે પંજાબથી હરિયાણા જવા રવાના થયા હતા. બપોરે 12 વાગ્યાની આસપાસ ખેડૂતો પંજાબ-હરિયાણાની શંભુ, ખનૌરી અને ડબવાલી બોર્ડર પર એકસાથે પહોંચ્યા હતા. મોટાભાગના ખેડૂતો શંભુ સરહદે પહોંચ્યા હતા. ખેડૂતો અહીં પહોંચતાં જ હરિયાણા પોલીસે ટીયર ગેસના શેલ છોડવાનું શરૂ કરી દીધું હતું.જ્યારે મશીનની રેન્જ ઓછી હતી ત્યારે ડ્રોન દ્વારા ટીયર ગેસ છોડવામાં આવ્યો હતો. ખેડૂતોએ ટ્રેક્ટર વડે અહીં રોડની વચ્ચે રાખવામાં આવેલા સિમેન્ટના સ્લેબ હટાવ્યા હતા. જે બાદ હરિયાણા પોલીસે પણ રબરની ગોળીઓ ચલાવી હતી. આ દરમિયાન અંબાલા પોલીસના ડીએસપી સહિત 5 પોલીસકર્મીઓ અને ઘણા ખેડૂતો પણ ઘાયલ થયા હતા. ખેડૂતોએ અહીના ઘગ્ગર પુલના કિનારે મુકવામાં આવેલ સુરક્ષા અવરોધો તોડી નાખ્યા હતા.