ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ખેડૂતોને કહ્યું છે કે કૃષિ કાયદાના વિરોધ માટે ખેડૂતોએ મોટી સંખ્યામાં દિલ્હી ટ્રેક્ટર લઇને આવવાનું થઇ શકે છે. તેમણે કહ્યું કે ગમે ત્યારે ખેડૂતોને દિલ્હી કુચ માટે બોલાવવામાં આવશે માટે પોતાના ટ્રેક્ટરમાં ઇંધણ ભરાવીને તૈયાર રાખવામાં આવે.
ટિકૈતે અગાઉ જાહેરાત કરી હતી કે ખેડૂતો સંસદ તરફ કુચ કરશે અને તેના પાર્કમાં જઇને ખેતી પણ કરશે. જ્યાં સુધી કાયદા પરત ન લેવામાં આવે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે. બીજી તરફ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે આ કૃષિ કાયદા ખેડૂતો માટે ડેથ વોરંટ જેવા છે માટે તેને કેન્દ્ર સરકારે તાત્કાલીક રદ કરી દેવા જોઇએ. કેજરીવાલે ઉત્તર પ્રદેશના મેરઠમાં એક કિસાન મહાપંચાયતને સંબોધતા આ નિવેદન આપ્યું હતું. તેમણે સાથે કહ્યું હતું કે જ્યારે ખેડૂત નેતા રાકેશ ટિકૈતે રડવુ પડયું હતું ત્યારે હું તેમની આંખોમાં આવેલા આંસુને જોઇ નહોતો શક્યો.
કેજરીવાલે કહ્યું હતું કે ખેડૂતો પર લાઠીઓ વરસાવવામાં આવી રહી છે. તેમના રસ્તા પર ખીલ્લાઓ નાખવામાં આવી રહ્યા છે. આવું તો અંગ્રેજોએ પણ આપણા ખેડૂતોની સાથે નથી કર્યું જેવું વર્તમાન કેન્દ્ર સરકાર કરી રહી છે. ખેડૂતો ઉપર જુઠા કેસ કરવામાં આવી રહ્યા છે. છેલ્લા 95 દિવસથી ખેડૂતો દિલ્હીમાં ઠંડી તડકા વચ્ચે આંદોલન ચલાવી રહ્યા છે છતા સરકાર તેમનું સાંભળવા તૈયાર નથી. કેજરીવાસે સાથે જણાવ્યું હતું કે આંદોલન સાથે જોડાયેલા આશરે 250થી વધુ ખેડૂતો શહીદ થઇ ચુક્યા છે.
દરમિયાન ખેડૂત આંદોલન ચલાવી રહેલા પૈકી એક નેતા રાકેશ ટિકૈતે ખેડૂતોને સંદેશો આપતા કહ્યું છે કે તમારા ટ્રેક્ટરમાં ડિઝલ ભરાવીને તૈયાર રાખજો. ગમે ત્યારે દિલ્હી ટ્રેક્ટરો લઇને આવવાનું થઇ શકે છે. સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે ખેડૂતોએ પોતાના કામકાજને છોડવાના નથી, તેઓ ખેતરોમાં પોતાનું કામ ચાલુ જ રાખે. પણ તેઓએ પોતાના ટ્રેક્ટરોને ઇંધણ ભરીને તૈયાર રાખવાના છે. ગમે ત્યારે તેઓને દિલ્હીમાં રેલી માટે બોલાવવામાં આવી શકે છે.
કેન્દ્ર સરકાર પર પ્રહારો કરતા ટિકૈતે કહ્યું હતું કે સરકારે આ નવા કૃષિ કાયદા તૈયાર કર્યા તેમાં ખેડૂતોનો અભિપ્રાય લીધો નહોતો અને તૈયાર કરી લાગુ કરી દીધા હતા. હવે સરકાર પુછી રહી છે કે કાયદામાં ખોટુ શું છે તે જણાવો, જો આખો કાયદો જ કાળો હોય તો તેને રદ જ કરવો પડે.કેન્દ્ર સરકાર અનાજને લોક કરીને તેનો વ્યાપાર કરવા માગે છે, ભુખમરા પર સરકાર વ્યાપાર કરવા માગે છે. ટિકૈતે સાથે એલાન કર્યું હતું કે હવે સમગ્ર દેશમાં આ કૃષિ કાયદાના વિરોધમાં મહાપંચાયત કરવાનો સમય આવી ગયો છે. કેમ કે આ સમગ્ર દેશનો મામલો છે. સમગ્ર દેશમાં ભ્રમણ કરવામાં આવશે અને આવી મહાપંચાયતો યોજવામાં આવશે.
હાલમાં કૃષિ કાયદાનો વિરોધ ખેડૂતો કરી રહ્યા છે એવામાં હવે ઉત્તર પ્રદેશમાં શેરડીનો પાક લેતા ખેડૂતોએ પણ મોરચો માંડયો છે. શેરડીની ખરીદી કરી લીધા બાદ કરોડો રૂપિયાની ચુકવણી મિલોએ ખેડૂતોને નથી કરી જેને પગલે હવે ખેડૂતો આ મામલે પણ આંદોલન કરી રહ્યા છે. હાલ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઇ રહ્યા છે. આ ખેડૂતોની માગણી અગાઉનું વળતર ચુકવી આપવા ઉપરાંત શેરડીના ટેકાના ભાવ આપવાની માગણી પણ કરવામાં આવી રહી છે. જે વિસ્તારમાં આ આંદોલન ચાલી રહ્યા છે તે દિલ્હી સરહદની નજીક છે.