જોડિયા તાલુકાના તારાણા ગામથી આમરણ જવાના ધોરીમાર્ગ પર મધ્યરાત્રિના સમયે યુવાનને બેે અજાણ્યા શખ્સોએ આંતરીને આંખમાં તથા માથાના ભાગે તેમજ વાંસામાં તથા શરીરે કોઇ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યાના બનાવમાં યુવાનનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો.
હત્યાના બનાવની વિગત મુજબ, જોડિયા તાલુકાના તારાણા ગામમાં રહેતાં અને ખેતી કરતા ભૂપતસિંહ નિમુભા જાડેજા (ઉ.વ.40) નામના યુવાન ગત તા.17 ના મધ્યરાત્રિના સમયે તારાણા ગામથી આમરણ તરફ જતા ધોરીમાર્ગ પરથી પસાર થતા હતાં તે દરમિયાન બે અજાણ્યા શખ્સોએ કોઇ કારણસર ભૂપતસિંહ ઉપર તિક્ષ્ણ હથિયાર વડે આંખમાં તથા માથામાં તેમજ વાંસાના ભાગે અને શરીરે આડેધડ ઘા ઝીંકી જીવલેણ હુમલો કરતાં યુવાન લોહીલુહાણ હાલતમાં ઢળી પડયા હતાં. ત્યારબાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ જગુભા ઉર્ફે જગતસિંહ જાડેજા દ્વારા જાણ કરાતા પીએસઆઈ બી.એલ. ઝાલા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી હત્યાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.
પોલીસના પ્રાથમિક તારણમાં અજાણ્યા હુમલાખોરો કદાચ ચોરી કરવાના ઈરાદે આવ્યા હોય અને ભૂપતસિંહે પડકાર્યા હોય. જેથી બંને શખ્સોએ યુવાન ઉપર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા નિપજાવી હોવાની દિશામાં તપાસ આરંભી હતી.