આગામી ત્રણ મહિનામાં રાજયસભામાંથી નિવૃત્ત થઇ રહેલાં 72 સભ્યોને રાજયસભાના અધ્યક્ષ એમ.વૈકેંયા નાયડુ અને પ્રધાનમંત્રી મોદીએ વિદાય આપી હતી. આજે સવારે યોજાયેલા એક સમારોહમાં પ્રધાનમંત્રીએ નિવૃત્ત થઇ રહેલાં સભ્યો સાથે મુલાકાત કરી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ પ્રધાનમંત્રી અને ઉપરાષ્ટ્રપતિ સાથે નિવૃત થઇ રહેલાં સભ્યોનું ફોટો સેશન યોજાયું હતું. ગૃહના નેતા પીયૂષ ગોયલ અને વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે પણ હાજર રહ્યા હતા. આ નિવૃત્ત થયેલા સભ્યોમાં સાત નામાંકિત સભ્યોનો સમાવેશ થાય છે. અધ્યક્ષ નાયડુએ બુધવારે ગૃહમાં જાહેરાત કરી હતી કે આજે ગૃહમાં ઝીરો અવર અને પ્રશ્ર્નકાળ નહીં હોય. વિદાય સમારંભમાં વિવિધ પક્ષોના નેતાઓ અને સભ્યોને બોલવાની તક આપવામાં આવશે. એપ્રિલમાં નિવૃત્ત થનારા સભ્યોમાં કોંગ્રેસના ઉપનેતા આનંદ શર્મા, એકે એન્ટની, ભાજપના નેતાઓ સુબ્રમણ્યમ સ્વામી, એમસી મેરી કોમ અને સ્વપ્ન દાસગુપ્તાનો સમાવેશ થાય છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ, સુરેશ પ્રભુ, એમ.જે. અકબર, જયરામ રમેશ, વિવેક ટંખા, વી. વિજયસાઈ રેડ્ડીનો કાર્યકાળ જૂનમાં સમાપ્ત થશે. જુલાઈમાં નિવૃત્ત થનારા સભ્યોમાં પીયૂષ ગોયલ, મુખ્તાર અબ્બાસ નકવી, પી. ચિદમ્બરમ, અંબિકા સોની, કપિલ સિબ્બલ, સતીશચંદ્ર મિશ્રા, સંજય રાઉત, પ્રફુલ પટેલ અને કેજે અલ્ફોન્સનો સમાવેશ થાય છે. કેટલાક કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના નેતાઓને ફરીથી નોમિનેટ કરવામાં આવશે સાથે જ કોંગ્રેસના કેટલાક સભ્યોની પુન: ઉમેદવારી અંગે પણ સ્થિતિ સ્પષ્ટ નથી. આમાંના ઘણા સભ્યો અસંતુષ્ટ જૂથોનો ભાગ છે જેઓ પક્ષના નેતૃત્વની ટીકા કરતા હતા.