જામનગર તાલુકાના ફલ્લા ગામમાં રહેતા યુવાનને એક મહિના પહેલાં થયેલી બોલાચાલીનો ખાર રાખી એક શખ્સે યુવાનને જાતિ પ્રત્યે અપમાનિત કરી લોખંડના સળિયા વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના ફલ્લા ગામમાં રહેતાં જેન્તીભાઈ ચાવડા નામના યુવાનનો પુત્ર ફલ્લા તાલુકા શાળામાં અભ્યાસ કરતો હતો અને તેના જ ગામના યોગેન્દ્રસિંહ કિરીટસિંહ સોઢાના સગા મધ્યાહન ભોજનમાં કામ કરતા હોય તેથી એક માસ પૂર્વે જેન્તીભાઈ અને યોગેન્દ્રસિંહ વચ્ચે થયેલી બોલાચાલીનો ખાર રાખી મંગળવારે સાંજના સમયે યુવાન ઉપર લોખંડના સળિયા વડે હુમલો કરી અપશબ્દો બોલી જાતિ પ્રત્યે અપમાનિત કર્યો હતો અને મારી નાખવાની ધમકી પણ આપી હતી. હુમલાના બનાવ બાદ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડીવાયએસપી જે.એસ. ચાવડા તથા સ્ટાફે શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.