જામનગરના શંકરટેકરી વિસ્તારમાં 15 વર્ષ પહેલાની માથાકૂટના મનદુ:ખમાં એક શખ્સએ પિતા-પુત્રને ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે સામાપક્ષે શખ્સે યુવાનને ગાળો કાઢી, પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના શંકર ટેકરી વિસ્તાર પાસે નવી નિશાળ પાછળ આવેલા હુસેની ચોકમાં રહેતાં ઇકબાલ ઉર્ફે ઇકો કાસમ ખફી (ઉ.વ.47) નામના યુવાનને 15 વર્ષ પહેલાં ઇંડાની રેંકડી ચલાવતાં સાજન યુસુફ ખફી સાથે માથાકૂટ થઇ હતી અને આ માથાકૂટ બાદ બન્નેએ સામસામી ફરિયાદ નોંધાવી હતી. ત્યારથી બન્ને વચ્ચે મનદુ:ખ ચાલતું હતું. દરમ્યાન બુધવારે સાંજના સમયે ઇકબાલ અને તેના પુત્રને સાજન ખફીએ આંતરીને જેમ ફાવે તેમ ગાળો કાઢી, ઝઘડો કરી, મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ સામાપક્ષે પણ ઇકબાલ કાસમ ખફીએ સાજન ખફીને ગાળો કાઢી, ઝઘડો કરી, લાકડી ઉગામી, મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવની જાણ થતાં પીએસઆઇ કે. એચ. ચાવડા તથા સ્ટાફએ ઇકબાલ અને સાજનની સામસામી પોલીસ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


