જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં નવી નિશાળ પાસે અપશબ્દો બોલવાની ના પાડતા ચાર શખ્સોએ મહિલા ઉપર ધોકા વડે હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ મહિલા સહિતના ચાર શખ્સોએ યુવાન ઉપર લોખંડના પાઈપ વડે હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યાની સામસામી ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં શંકરટેકરી નવી નિશાળ પાસે આવેલા રજાનગરમાં રહેતાં જુબેદાબેન ખીરા નામના મહિલાના જેઠનો પુત્ર ઈરફાન અને તેની પત્ની ઘરમાં માથાકુટ કરી અપશબ્દો બોલતા હતાં. જેથી બાજુમાં રહેતાં નસિમભાઈએ અપશબ્દો બોલવાની ના પાડતા બોલાચાલી થવાથી નસિમે તેના મકાન માલિક નઈમને જાણ કરતા નઈમ, આરીફ, ફારુક, વાહીદ સહિતના ચાર શખ્સોએ આવીને જુબેદાબેનને અપશબ્દો બોલી ધોકા વડે તથા ઢીકાપાટુનો માર મારી હુમલો કર્યો હતો. મહિલા ઉપર હુમલો થતા મહિલા જુબેદાબેન, સદામ આમદ ખીરા, ઈરફાન ઉમર ખીરા, ઉમર આમદ ખીરા સહિતના ચાર શખ્સોએ નઈમના દાદીને ઢીકાપાટુનો માર મારતા વચ્ચે પડેલા નઈમ ઉપર પાઈપ વડે હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો.
સામસામા કરાયેલા હુમલાના બનાવમાં ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનવાની જાણ થતા પીએસઆઈ આર.ડી. ગોહિલ તથા સ્ટાફે જુબેદાબેનના નિવેદનના આધારે નઈમ, આરીફ, ફારુક અને વાહીદ સામે તથા સામા પક્ષે નઈમના નિવેદનના આધારે સદામ, ઈરફાન, ઉમર અને જુબેદાબેનના ચાર શખ્સો વિરૂધ્ધ સામ-સામી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.