ઉત્તર-પશ્ર્ચિમ અને મધ્ય ભારતમાં હિટવેવને કારણે ભીષણ ગરમી પડી રહી છે. તો બીજી તરફ મહારાષ્ટ્રમાં કમોસમી તોફાની વરસાદ કહેર મચાવી રહ્યો છે. ઉત્તર ભારતના રાજયો ઉપરાંત પશ્ર્ચિમ ભારતમાં રાજસ્થાન ગુજરાત અને મધ્ય ભારતમાં મધ્યપ્રદેશમાં અનેક સ્થળોએ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી જતાં હિટવેવની સ્થિતિ નિર્માણ પામી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 15 એપ્રિલ સુધી આ સ્થિતિ રહેવાની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી હવામાન તોફાની બની રહયું છે. ગાજવીજ અને કરા સાથે ખાબકી રહેલાં વરસાદને કારણે અહીં ઉનાળુ પાકને ભારે નુકસાન થયું છે.
ઉત્તર પશ્ર્ચિમ ભારત અને તેની સાથે જોડાયેલા મધ્ય ભારતના વિસ્તારોમાં એપ્રિલમાં વધુ ભીષણ ગરમી પડવાની શક્યતા છે તેમ ભારતીય હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ એક નિવેદનમાં જણાવ્યું છે.
તેમણે વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયેલા એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે અમારા અંદાજ મુજબ સમગ્ર ઉત્તર પશ્ચિમ ભારત અને તેની સાથે જોડાયેલા મધ્ય ભારતમાં તાપમાન સામાન્યથી વધારે રહેશે. હીટવેવ ગુજરાત, રાજસ્થાનથી શરૂ થઇને પૂર્વ મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ સુધી જોવા મળશે. મહાપાત્રાએ જણાવ્યું હતું કે આ અગાઉ પણ આઇએમડીએ જણાવ્યું હતું કે માર્ચ કરતા એપ્રિલ મહિનો વધારે ગરમ રહેશે અને તાપમાન સામાન્યથી વધારે રહેશે.15 એપ્રિલ સુધી અનેક વિસ્તારોમાં હીટ વેવ ચાલુ રહેશે. હવામાન ખાતાએ એવી માહિતી આપી હતી કે મહારાષ્ટ્રનું હવામાન છેલ્લા ઘણા દિવસથી તોફાની બની રહ્યું છે. એક તરફ ગાજવીજ સાથે કમોસમી વર્ષાનો માહોલ છે. તો બીજી બાજુ હીટ વેવ (ગરમીનું મોજું) ફેલાઇ રહ્યું છે. ત્રીજી કોર કમોસમી વરસાદે કારણે દક્ષિણ કોંકણના રત્નાગિરિ અને દેવગઢની વિશ્ર્વ પ્રસિદ્ધ હાફુસ કેરીના પાક સહિત કાંદા, સોયાબીન, દ્રાક્ષ વગેરે પાકને ભારે નુકસાન થયું હોવાના સમાચાર પણ મળે છે. કમોસમી વર્ષાથી હાફુસ કેરીના પાકને ભારે નુકસાન થવાનું જોખમ છે. કેરીનો પાક ઓછો થશે અને ભાવ વધશે તો મધ્યમ વર્ગનાં લોકો તેનો સ્વાદ નહીં માણી શકે. મધ્ય મહારાષ્ટ્રનાં સાંગલી, કોલ્હાપુર શહેર અને નજીકનાં સ્થળોએ વરસાદ સાથે કરા પડયા હોવાના તથા દક્ષિણ કોંકણનાં કુડાળ, માલવણ, વૈભવવાડી અને મુળદે આગ્રી વગેરે સ્થળોએ ભારે ગાજવીજ, તીવ્ર પવન સાથે વર્ષા થઇ હોવાના સમાચાર મળે છે. હવામાન ખાતાના ડાયરેક્ટર જયંત સરકારે એવો વરતારો આપ્યો હતો કે હાલ હવાના હળવા દબાણનો પટ્ટો અને સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્ય પ્રદેશથી વિદર્ભ, મરાઠવાડા અને કર્ણાટક થઇને તામિલનાડુના આકાશમાં ફેલાયો છે.આવાં બદલાયેલાં કુદરતી પરિબળોની વ્યાપક અસરથી રાજ્યના અમુક વિસ્તારોમાં કમોસમી વર્ષા થઇ રહી છે. આવતા બે દિવસ(7,8-એપ્રિલ) મધ્ય મહારાષ્ટ્રનાં જળગાંવ, અહમદનગર, કોલ્હાપુર, સાતારા, સાંગલી જિલ્લામાં ગાજવીજ અને તોફાની પવન સાથે વરસાદી માહોલ સર્જાય તેવાં પરિબળો છે. જ્યારે આવતા ચાર દિવસ(7,8,9,10-એપ્રિલ) દરમિયાન વિદર્ભનાં અકોલા, વાશીમ, યવતમાળ જિલ્લામાં હીટ વેવ (ગરમીનું મોજું) ફેલાઇ જાય તેવાં પરિબળો છે.