ખંભાળિયા શહેરમાં પાલિકા તંત્ર દ્વારા અનેકવિધ વિકાસકાર્યો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં શહેરના જુદા-જુદા રસ્તાઓને નવેસરથી મઢવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. ખંભાળિયાના મિલન ચાર રસ્તાથી કણઝાર ચોકડી સુધીના રસ્તાને નવેસરથી બનાવવા માટે આપવામાં આવેલા કોન્ટ્રાક્ટ કામ દરમ્યાન આ માર્ગમાંથી વર્ષો જૂના અનેક વૃક્ષોને તોડી પાડવામાં આવ્યા છે. રસ્તાના નિર્માણ માટે આ ઝાડ નડતરરૂપ હોવાથી તેને દૂર કરી આગામી દિવસોમાં ડિવાઇડરમાં નવા ઝાડ ઉગાડવામાં આવશે તેમ પાલિકા સૂત્રોએ જણાવ્યું હતું.
ખંભાળિયાના મહત્વના એવા મિલન ચાર રસ્તાથી ટાઉન હોલ અને ટાઉન હોલથી કણઝાર ચોકડી સુધીના રસ્તાને નવેસરથી સી.સી. રોડ બનાવવા અંગેનો કોન્ટ્રાક્ટ તાજેતરમાં આપવામાં આવ્યો છે. આશરે દોઢ કરોડના ખર્ચે દોઢેક કિલોમીટર જેટલા આ માર્ગને બનાવવાનું કામ થોડા દિવસોથી શરૂ કરવામાં આવ્યું છે. આ રસ્તાના કામ દરમિયાન નગરપાલીકા દ્વારા વચ્ચે આવતા વર્ષો જુના પાંચેક જેટલા ઝાડ તોડી પાડવામાં આવ્યા છે.
આ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી અડીખમ રીતે ઉભેલા ગુલમોર સહિતના વિવિધ ઝાડ અનેક પક્ષીઓનું આશ્રય સ્થાન તેમજ ઉનાળામાં છાંયડો અને ઠંડક પ્રસરતા હતા. જેને તોડી પાડવામાં આવતા આ વિસ્તારના રહીશો તથા વૃક્ષ પ્રેમીઓમાં કચવાટની લાગણી જોવા મળી હતી. મહત્વની બાબત તો એ છે કે વર્ષો જૂના આ ઝાડને હટાવવાની કામગીરી રાત્રિના સમયે જ કરવામાં આવતી હતી.
આ માર્ગ પરના વૃક્ષો બાબતે નગરપાલિકાના ઇજનેર નંદાણીયાએ જણાવ્યું હતું કે આશરે દોઢ કિલોમીટર જેટલા 15.60 મીટર પહોળા સી.સી. રોડના નિર્માણમાં કેટલાક વૃક્ષો પાંચથી છ ફૂટ રોડની અંદર આવતા હોવાથી આ ઝાડ કાપવા અનિવાર્ય બની રહ્યા હતા. આટલું જ નહીં, આ ઝાડ ટ્રાફિકને અડચણરૂપ તથા તેના કારણે અકસ્માતની સંભાવના હોવાથી નિયમ મુજબની મંજૂરી બાદ આ વૃક્ષો કાપવામાં આવ્યા છે.
આ માર્ગમાં વચ્ચે 0.75 મીટર ડિવાઈડર બનાવવામાં આવશે. આ ડિવાઈડરના વચ્ચેના ગાળામાં આધુનિક અને વ્યવસ્થિત રીતે થોડા-થોડા અંતરે બોટલ પામ ટ્રી ઉગાડવા માટેનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. રસ્તાના નિર્માણ માટે આ ઝાડ નડતરરૂપ હોવાથી તેને દૂર કરી, હવે આગામી સમયમાં વધુ અને વ્યવસ્થિત રીતે ઝાડ ઉગાવવામાં આવશે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.