બન્ને તબકકાનું મતદાન પૂર્ણ થતાં જ જુદી-જુદી એજન્સીઓ દ્વારા જાહેર કરવામાં આવેલાં એક્ઝિટ પોલમાં ગુજરાતના મતદારોએ ફરી એકવખત ભાજપ પર ભરોસો દર્શાવ્યો છે. એક્ઝિટ પોલના તારણ અનુસાર ભાજપને આ વખતે અત્યાર સુધીની સૌથી વધુ બેઠકો મળવાની જઇ રહી છે. તો બીજી તરફ પ્રથમ વખત જ આપની એન્ટ્રીનું અનુમાન પણ દર્શાવવામાં આવ્યું છે. જયારે કોંગ્રેસ ધીમે-ધીમે સફાયા તરફ આગળ વધી રહી હોવાનું એક્ઝિટ પોલના તારણો દર્શાવી રહયા છે. ગુજરાત ઉપરાંત હિમાચલ અને દિલ્હી મહાનગર પાલિકાની ચૂંટણીનો એક્ઝિટ પોલ પણ જાહેર કરવામાં આવ્યો છે. હિમાચલમાં ભાજપ અને કોંગ્રેસની સ્થિતિ કસોકસ દર્શાવવામાં આવી છે.જયારે દિલ્હીમાં આમ આદમી પાર્ટીનો દબદબો યથાવત રહેશે. તેવું તારણ બહાર આવ્યું છે.
ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે, જેને પગલે વિવિધ સરવે એજન્સીઓ દ્વારા એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યા છે. આ એક્ઝિટ પોલ ગુજરાત, હિમાચલ પ્રદેશને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં મોટા ભાગના એક્ઝિટ પોલમાં દાવો છે કે ગુજરાતમાં ફરી ભાજપની સરકાર બનશે. જ્યારે હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખરાખરીની ટક્કર જોવા મળી રહી છે. ગુજરાતના મોટા ભાગના એક્ઝિટ પોલમાં ભાજપને 110થી વધુ બેઠકો આપવામાં આવી છે. જ્યારે કોંગ્રેસને 40થી 50 બેઠકો મળવાનું અનુમાન છે. તેવી જ રીતે આમ આદમી પાર્ટીને એકથી 10 જેટલી બેઠકો મળશે તેવો દાવો એક્ઝિટ પોલમાં કરવામાં આવ્યો છે. અન્ય અપક્ષ ઉમેદવારો પણ ચારથી પાંચ બેઠકો જીતી શકે છે. જોકે હિમાચલ પ્રદેશમાં ભાજ પ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર જોવા મળી રહી છે.
ભાજપને માત્ર થોડી જ બેઠકો વધુ મળશે તેવો અંદાજ આ એક્ઝિટ પોલમાં આપવામાં આવ્યો છે. જેમ કે એક્ઝિટ પોલના દાવા મુજબ હિમાચલમાં ભાજપને 30થી 35 જ્યારે કોંગ્રેસને 30 જેટલી અને આમ આદમી પાર્ટીને શુન્ય બેઠક મળી શકે છે. અન્યોના ફાળે ચારથી પાંચ બેઠક જઇ શકે છે. આંકડા પર નજર કરીએ તો ગુજરાતમાં આજતક-એક્સિસ માઇ ઇન્ડિયાના દાવા મુજબ ભાજપને 129થી 151 બેઠક મળી શકે છે. જ્યારે ઝીન્યૂઝ-બાર્કના સરવે મુજબ ભાજપને 110થી 125 બેઠક મળી શકે છે, મોટા ભાગના એક્ઝિટ પોલમાં 110થી વધુ બેઠકો આપવામાં આવી છે. જ્યારે કોંગ્રેસને ગુજરાતમાં 16થી 30 જ બેઠક મળવાનો દાવો આજતક-એક્સિસ માઇ ઇન્ડિયાએ કર્યો છે અને આપને 9થી 12 બેઠક આપી છે. ઝીન્યૂઝ-બાર્કના દાવા મુજબ કોંગ્રેસને 45થી 60 અને આપને 1થી 5 બેઠક મળવાનો દાવો કરાયો છે. દિલ્હીમાં મ્યૂનિ. કોર્પોરેશનની ચૂંટણીના એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં આમ આદમી પાર્ટીની જીત થશે તેવો દાવો કરવામાં આવ્યો છે. મોટા ભાગના એક્ઝિટ પોલમાં ભાજપની હાર અને આપની જીતનો દાવો કરવામાં આવ્યો છે.
દિલ્હી મ્યૂનિ.માં કુલ 250 વોર્ડ છે. જેમાં આમ આદમી પાર્ટીને 150થી 175 વોર્ડ, ભાજપને 70થી 92 જ્યારે કોંગ્રેસને 4થી 7 વોર્ડ મળવાનો દાવો ન્યૂઝ-એક્સના એક્ઝિટ પોલમાં કરવામાં આવ્યો છે. તેવી જ રીતે અન્ય એક્ઝિટ પોલમાં પણ આમ આદમી પાર્ટીને 130થી વધુ વોર્ડ પર જીતનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. તેથી દિલ્હીના એમડીસીની ચૂંટણીમાં ભાજપને મોટુ નુકસાન થવાની શક્યતાઓ છે. આ ચૂંટણીના પરીણામો સાત તારીખે જાહેર કરવામાં આવશે.