જામનગરમાં પવનચક્કીથી સાધના કોલોની સુધી ચાલતાં જેટકોના આડેધડ ખોદકામને કારણે લોકોને ભારે હાલાકી પડી રહી હોવાની રજૂઆત વિપક્ષના પૂર્વ નેતા આનંદ રાઠોડે કરી છે.
કમિશનરને કરેલી લેખિત રજૂઆતમાં તેમણે જણાવ્યું છે કે, પવનચક્કીથી સાધના કોલોની સુધી જેટકો કંપની દ્વારા કેબલ નાખવા માટે રોડ ખોદવામાં આવી રહ્યો છે. આ ખોદકામનો મલબો રોડ ઉપર જ્યાંને ત્યાં પડયો હોવાના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં, માટી અને પથ્થરોને કારણે રસ્તા પર નાના-મોટા અકસ્માતો પણ સર્જાઇ છે. જેટકો દ્વારા કરવામાં આવતું કામ ખૂબ જ ધીમીગતિએ ચાલતુ હોવાના કારણે દિવસો સુધી ખોદકામનો મલબો માર્ગ પર વિખરાયેલો પડયો રહે છે. ખોદકામ માટેના ચોક્કસ નિયમો અને સમય મર્યાદા હોવા છતાં જામ્યુકોના અધિકારીઓની લાપરવાહીના કારણે વાહન ચાલકોએ અકસ્માતનો ભોગ બનવું પડે છે. ધીમીગતિએ ચાલતું આ કામ તાકિદે પુર્ણ કરવામાં નહીં આવે તેમજ રસ્તાપર પડેલો મલબો દૂર કરવામાં નહીં આવે તો પોતે જાતે જેસીબી લઇને ખોદકામને બુરી નાખશે. તેવી ચેતવણી પણ વિપક્ષના પૂર્વનેતાએ આપી છે.