યુકેના લિસેસ્ટરમાં ફરી એકવાર હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે અથડામણ થઈ છે. શનિવાર અને રવિવારે વહેલી સવારે શહેરમાં અથડામણોના કારણે ગંભીર અવ્યવસ્થા ફેલાઈ ગઈ હતી. જેને ધ્યાનમાં રાખી પોલીસે બંને પક્ષોને શાંતિ જાળવવા અપીલ કરી છે. સોશિયલ મીડિયા પર આવેલા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ સપ્તાહના અંતે એક વિરોધ પ્રદર્શનના કારણે મામલો વધ્યો છે. વીડિયો ફૂટેજમાં પોલીસ ટોળાના બે જૂથોને રોકવાનો પ્રયાસ કરતી જોઈ શકાય છે જ્યારે આ દરમિયાન કાચની બોટલો ફેંકવામાં આવી હતી અને કેટલાક લોકોને લાકડીઓ અને દંડા સાથે જોઈ શકાય છે.
લેસ્ટર પોલીસના કામચલાઉ ચીફ કોન્સ્ટેબલ રોબ નિક્સને એક વીડિયો ટ્વીટમાં જણાવ્યું હતું કે, અમને શહેરના પૂર્વ લેસ્ટર વિસ્તારના ભાગોમાં અરાજકતાના અનેક અહેવાલો મળ્યા છે. અમે અધિકારીઓને ત્યાં મોકલ્યા છે અને અમે પરિસ્થિતિને નિયંત્રિત કરી રહ્યા છીએ. વધારાના અધિકારીઓ પણ ત્યાં પહોંચી રહ્યા છે. કૃપા કરીને તેમાં સામેલ થશો નહીં. અમે શાંતિ માટે અપીલ કરી રહ્યા છીએ.
એક મહિલા સાક્ષીએ જણાવ્યું કે, હુમલાખોરોએ કાળા રંગનું માસ્ક પહેર્યું હતું. તેમના ચહેરા ઢંકાયેલા હતા. એવું લાગી રહ્યું હતું જેમ કે, ફૂટબોલ મેચ જોયા બાદ કોઈ ભીડ પરત ફરી રહી હોય. પોલીસ ટીમ દ્વારા રોડ પર બેરિકેડીંગ લગાવવમાં આવી હતી. ભીડે હુમલો કર્યો તો પોલીસે તેને પાછળ ઢકેલવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે મોટી સંખ્યામાં લોકોની તલાશી લેવામાં આવી હતી અને 2 લોકોને કસ્ટડીમાં લીધા છે. તેમાંથી પર એક હિંસક અવ્યવસ્થાના ષડયંત્રની શંકા છે અને બીજા પર બ્લેડ જેવી વસ્તુ રાખવાની શંકા છે. લિસેસ્ટર પોલીસે નિવેદનમાં કહ્યું કે, પોલીસને હિંસા અને નુકશાનની અનેક ઘટનાઓની સૂચના આપવામાં આવી છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે. 28 ઓગસ્ટે દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચના પગલે સ્થાનિક હિંદુ અને મુસ્લિમ જૂથો વચ્ચે અશાંતિ ફેલાઈ ગઈ હતી. તેને જોતા પોલીસે આ મહિનાની શરૂઆતમાં પણ આવા જ આદેશ આપ્યા હતા. શુક્રવારે ચીફ કોન્સ્ટેબલ નિક્સને જણાવ્યું હતું કે ’પૂર્વ લીસેસ્ટર વિસ્તારમાં પોલીસ ઓપરેશન’ના ભાગરૂપે કુલ 27 ધરપકડ કરવામાં આવી હતી.