જામનગર મહાનગરપાલિકા દ્વારા આજરોજ 58 દિગ્વિજય પ્લોટ વિસ્તારોમાં વહેલી સવારથી જ દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરાઇ હતી. એસ્ટેટ શાખા દ્વારા શહેરના 58 દિ.પ્લોટમાં હિંગળાજ ચોકથી આગળના વિસ્તારમાં નવા રસ્તા માટે ડીપી અમલીકરણને લઇ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો હટાવવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. સીટી ઇજનેર ભાવેશ જાનીની રાહબરી હેઠળ એસ્ટેટ શાખાના રાજભા ચાવડા, મુકેશભાઇ વરણવા, સુનિલ ભાનુશાળી સહિતના અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા 20 જેટલી મિલ્કતોનું ડિમોલીશન કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ડિમોલીશનની કામગીરી દરમ્યાન કોઇ રૂકાવટ ન આવે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો. સવારથી જ એસ્ટેટ શાખા દબાણ હટાવવા ઉતરતાં આ વિસ્તારમાં લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.