સુરજકરાડીમાં પક્ષી પ્રેમી દ્વારા છેલ્લાં 10 વર્ષથી પક્ષીઓ માટે બારેમાસ ચણ અને પાણીની વ્યવસ્થા કરી પક્ષીઓ માટે સેવા પ્રવૃતિ કરવામાં આવી રહી છે અને પક્ષીઓ માટે પીંજરાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
દ્વારકાનાં સુરજકરાડી-આરંભડા ગામનાં ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા સુભાષભા માણેક દ્વારા છેલ્લાં 10 વર્ષથી પક્ષીઓની સેવા કરવામાં આવી રહી છે. પક્ષી પ્રેમી સુભાષભા માણેક દ્વારા પોતાના મકાન ઉપર ચકલીઓ અને પક્ષીઓ માટે ચણ અને પાણીની વિશેષ પ્રકારની વ્યવસ્થા ઉભી કરી છે. ચણવા આવતા પક્ષીઓ અને ચકલીઓ ને કોઈ પ્રાણી નુકસાન ન પહોંચાડે તે માટે ઊંચાઈ ઉપર ખાસ પિંજરા બનાવ્યા છે, જ્યાં ચણ અને પાણીની વ્યવસ્થા ઉભી કરી છે. છેલ્લા દસેક વર્ષથી સુભાષભા ચકલીઓ અને અન્ય પક્ષીઓ માટે બારેમાસ ચણ અને પાણીની વ્યવસ્થા કરે છે. જયાં દરરોજ સેકડોની સંખ્યામાં ચકલીઓ અને અન્ય પક્ષીઓ ચણવા માટે આવે છે.
જ્યારે વરસાદી વાતાવરણ હોય ત્યારે પોતાના ફળિયામાં ડીશમાં ચણ મૂકે ત્યારે પણ ચકલીઓ અને પક્ષીઓ નીર્ભય રીતે ચણવા આવે છે. ખાસ કરીને વરસાદ પહેલા આપણી આસપાસ કે બગીચા વૃક્ષો ઉપર ચકલીઓની ચીં ચીં સાંભડવા મળતી તે હવે ભાગ્યે જ સંભળાય છે અને ચકલીઓની સંખ્યા ઉતરોતર ઘટતી જાય છે. આપણે ચકલી દિવસ ઉજવીએ તે પુરતી જ ચકલીને યાદ રાખીએ છીએ ત્યારે સુભાષભા ની આ ચકલી અને પક્ષીઓ પ્રત્યેની અનેરી સેવા બીજા લોકો માટે પ્રેરણા સ્ત્રોત છે.