ખંભાળિયા પંથકમાં છેલ્લા ઘણા સમયથી લમ્પી વાયરસનો રોગચાળો ગાય તથા બળદમાં વ્યાપક પ્રમાણમાં પ્રસરી રહ્યો છે. જેના કારણે દરરોજ મોટી સંખ્યામાં આવા પશુઓ રોગનો ભોગ બની રહ્યા છે. ખંભાળિયા શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં દરરોજ મોટી સંખ્યામાં મૃત્યુ પામતા આવા રોગગ્રસ્ત ઢોરના મૃતદેહોનો નિકાલ કરવા ચોક્કસ સ્થળ કે આયોજન તંત્ર પાસે નથી.
ખંભાળિયા – દ્વારકા હાઇવે માર્ગ પરના વડત્રા ગામ પાસે આજ રીતે લમ્પી વાયરસના કારણે મૃત્યુ પામેલા ઢોરને આડેધડ રીતે નિકાલ કરવામાં આવતો હોવાનું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું છે. વડત્રા ગામે આવેલી સરકારી શાળાની થોડે જ દૂર તળાવ પાસે લમ્પી રોગના કારણે મૃત્યુ પામેલા પશુના મૃતદેહના ઢગલાઓ જોવા મળી રહ્યા છે. અહીં મીઠું નાખ્યા વગર કે યોગ્ય પ્રક્રિયા વગર ઢોરને નાખવામાં આવતા માથું ફાટી જાય તેવી દુર્ગંધ સાથે રોગચાળો ફેલાવવાની દહેશત પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.