ભાગ્યલક્ષ્મી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના નેજા હેઠળ તા. 1 થી 8 મે સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું હતું. ગઇકાલે રવિવારે આ ભાગવત સપ્તાહની પુર્ણાહુતિ થઇ હતી. પૂજય ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના વ્યાસાસને યોજાયેલી ભાગવત સપ્તાહમાં અદભૂત જનમેદની ઉમટી હતી. ગઇકાલે કથાના સમાપનમાં કથાના યજમાન અને ધારાસભ્ય હકુભાએ હાલારની જનતા તેમજ આ સપ્તાહ દરમ્યાન સેવા આપનાર સ્વયંસેવકો સહિતનાનો આભાર વ્યકત કર્યો હતો. શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના રવિવારના અંતિમ સત્રમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ પ્રેસિડેન્ટ ધનરાજભાઇ નથવાણી, ગાંધીનગર રેન્જ આઇ.જી. અભયસિંહ ચુડાસમા, રાજકોટ રેન્જ આઇ.જી. સંદિપસિંહ, ભાજપ અગ્રણી ભીખુભાઇ દલસાણિયા, એસ્સાર બલ્કના કેપ્ટન દિપક પીલ્લે, રેસી. ડાયરેક્ટર ભાવેન ભટ્ટ તેમજ જયેશભાઈ થાનકી જામનગરના જિલ્લા સમાહર્તા સૌરભ પારધી, જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ, રાજકોટ એ.સી.બી.ના વિભાગીય પોલીસ અધિકારી એ. પી. જાડેજા, ઉપરાંત ભારતના ખ્યાતનામ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા પણ કથા શ્રવણ માટે પહોંચ્યા હતા અને ધર્મલાભ લીધો હતો. ઉપરાંત જામનગરમાં ભાગવત સપ્તાહ 12 વર્ષ પહેલાં યોજાઈ હતી, તેના યજમાન કરશનભાઈ ભૂતિયા અને નિલેશભાઈ ભૂતિયા વગેરેએ પૂજ્ય રમેશભાઈ ઓઝાના આશીર્વાદ મેળવ્યા હતા. જેઓનું પૂજ્યભાઇજીના હસ્તે ખેસ પહેરાવી સ્વાગત અને સ્મૃતિ ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. જેઓ અંતિમ દિવસ ની કથા શ્રવણમાં પણ જોડાયા હતા.