જામનગર પીજીવીસીએલ કચેરી દ્વારા ધ્રોલ તાલુકાના જાલિયા માનસર ગામેથી રામ આર.ઓ. પ્લાન્ટમાંથી અંદાજિત રૂા.10 લાખની વીજચોરી ઝડપી લઇ કાયદેેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પીજીવીસીએલની વીજચેકિંગ કાર્યવાહીથી વીજચોરોમાં ફફડાટ ફેલાયો હતો.
જામનગર સર્કલ હેઠળના ધ્રોલ ગ્રામ્ય સબ ડીવીઝન હેઠળમાં પીજીવીસીએલ દ્વારા વીજચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પીજીવીસીએલની ચાર જેટલી ટીમો દ્વારા જીયુવીએનએલ પોલીસની એક સ્કવોર્ડ તેમજ બે એસઆરપી જવાનો સાથે ધ્રોલ તાલુકાના જાલિયા માનસર ગામમાં આવેલા રામ મિનરલ વોટર કંપનીમાં વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ વીજચેકિંગ દરમિયાન કંપનીએ નજીકની એલટી લાઈન મારફતે ડાયરેકટ વીજ જોડાણ મેળવ્યું હોવાનું સામે આવતા રામ મિનરલ વોટરના દિનેશભાઇ દેવશીભાઈ કગથરા તથા તેજાભાઈ હરાજી ગમારાને અંદાજિત રૂા.10 લાખનું વીજચોરીનું બીલ ફટકાર્યુ હતું.