જામનગર શહેરમાં શનિવારે બપોર બાદ ભારે પવન ફૂંકાયો હતો અને ભારે વરસાદના ઝાપટાથી શહેરમાં ઠેક-ઠેકાણે પાણી ભરાઇ જવા પામ્યા હતાં ત્યારે હજૂ ચોમાસુ આવ્યું નથી. તે પૂર્વે જ માત્ર વાવાઝોડાની અસરમાં જ પીજીવીસીએલની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી જવા પામી હતી. શહેરમાં વિજ ફિડરો બંધ થતાં અને વિજવાયરો ધરાશાયી થતાં શહેરના મોટાભાગના વિસ્તારોમાં વિજળી ગુલ થઇ જવા પામી હતી. અંદાજિત 5 થી 6 કલાકથી વધુ સમય વિજળી ગુલ થઇ જતાં શહેરીજનો અસહ્ય ગરમીથી અકળાઇ ઉઠયા હતાં અને રોષની લાગણી છવાઇ હતી. તો બીજીતરફ ગરમીથી અકળાયેલા આવારા તત્વો દ્વારા પીજીવીસીએલની કચેરીએ પથ્થરમારો કર્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
જામનગર સહિત રાજ્યભરમાં બિપોરજોય વાવાઝોડાનો ખતરો તોડાઇ રહ્યો છે. રાજ્ય સરકાર તેમજ જિલ્લા વહીવટી તંત્ર સાબદુ થયું છે. આ દરમિયાન શનિવારે બપોરબાદ જામનગર શહેર-જિલ્લામાં વાવાઝોડાની અસર જોવા મળી હતી. શહેરમાં બપોરબાદ ભારે પવન સાથે વરસાદી ઝાપટુ જોવા મળતાં શહેરમાં કેટલાંક સ્થળોએ પાણી પણ ભરાઇ ગયા હતાં. તો બીજીતરફ ભારે પવનના કારણે શહેરમાં વૃક્ષો ધરાશાયી થયા હતાં. તેમજ વિજ પોલ ધરાશાયી થવાની સાથે સાથે વિજપોલમાં શોર્ટ-સર્કિટ, વિજ વાયરો પડી જવા, આઠ જેટલા સ્થળોએ ફિડરો બંધ થઇ જતાં અનેક વિસ્તારોમાં અંધારપટ્ટ છવાયો હતો. શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં વિજ પુરવઠો ખોરવાતાં શહેરીજનો અસહ્ય ગરમીથી તોબા પોકારી ઉઠયા હતાં.
શહેરમાં દરવર્ષે પીજીવીસીએલ દ્વારા પ્રિ-મોન્સુન કામગીરીના નામે લાખોનો ખર્ચ કરવામાં આવે છે. આમ છતાં દરવર્ષે વરસાદી ઝાપટામાં વિજળી ગુલ થઇ જવાની ઘટના સામે આવે છે. આ પરંપરા આ વર્ષે પણ પીજીવીસીએલએ જાળવી હોય તેમ હજૂ ચોમાસુ આવ્યું નથી અને વાવાઝોડાની અસર જોવા મળી ત્યાં જ પીજીવીસીએલની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી જવા પામી છે. લાખોના ખર્ચ કરતી પીજીવીસીએલની કામગીરી છતી થઇ ગઇ છે. શનિવારે શહેરમાં ફૂંકાયેલા ભારે પવનોને કારણે અનેક સ્થળોએ વિજ વાયરો તૂટી ગયા હતાં. તેમજ આઠ જેટલાં ફિડરો પણ બંધ થઇ ગયા હતાં. જેને પરિણામે શહેરના કડિયાવાડ, બેડી ગેઇટ, પંચેશ્ર્વર ટાવર, આણદાબાવાનો ચકલો, ચૌહાણ ફળી, ચાંદીબજાર, પટેલ કોલોની સહિતના અનેક વિસ્તારોમાં 5 થી 6 કલાક સુધી વિજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. જેને પરિણામે શહેરીજનો ગરમીથી અકળાઇ ઉઠયા હતાં. આ દરમિયાન કેટલાંક વિસ્તારોમાંથી લોકો દ્વારા આ અંગે પીજીવીસીએલમાં ફરિયાદ કરતાં અધિકારીઓ કે કર્મચારીઓ જવાબ ન આપતાં હોવાની તેમજ ફોન ન ઉપાડતાં હોવાની પણ રાવ ઉઠી હતી. જેને પરિણામે શહેરીજનોમાં પીજીવીસીએલ તરફે વધુ રોષની લાગણી છવાઇ હતી.
પીજીવીસીએલ દ્વારા ચોમાસા પૂર્વે જ હેલ્પલાઇન નંબરો જાહેર કરાયા છે આમ છતાં ફોન જ ઉપડતા ન હોય. શહેરીજનોમાં નારાજગી જોવા મળી હતી અને આવા નંબરો શું કામના ? તેમ પણ ચર્ચાઇ રહ્યું હતું.


