જામનગરના ગાંધીનગર સ્થિત હિન્દુ સાર્વજનિક સ્મશાન મોક્ષ મંદિરમાં વિદ્યુત અને ગેસ આધારિત બન્ને સ્મશાન ભઠ્ઠી ફરી કાર્યરત થઇ ચૂકી છે. જામનગર પંથકમાં વાવાઝોડા તથા અતિભારે વરસાદના કારણે ગાંધીનગર મોક્ષ મંદિર સ્મશાન માટે દરિયાઇ ખાડીમાં ઉભી કરાયેલી વીજ લાઇન અને તેના થાંભલા પડી જતાં આ સ્મશાનમાં વીજ પૂરવઠો સંપૂર્ણ ખોરવાઇ ગયો હતો.
એ પછી મહાપાલિકાના સહકારથી હંગામી માર્ગ ઉભો કરાતાં વીજ કંપની દ્વારા ત્વરીત નવા વીજ થાંભલા ઉભા કરીને સ્મશાન માટેની વીજલાઇન પૂર્વવત કરી આપતાં આ સ્મશાનમાં વિદ્યુત તેમજ ગેસ આધારિત બન્ને ભઠ્ઠીઓમાં અગ્નિ સંસ્કાર કરવાની સવલત પુન: શરૂ થઇ હોવાનું સંસ્થાની યાદીમાં જણાવાયું છે. ગાંધીનગર મોક્ષ મંદિર સ્મશાન ગૃહમાં અંતિમવિધી વ્યવસ્થાની પૂછપરછ તેમજ અંતિમ યાત્રા બસ માટે સંસ્થાના મો. નં. 87339 39390 પર સંપર્ક સાધવા જણાવાયું છે.