જામનગર સહિત રાજ્યની વિધાનસભાની આગામી તા.1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન પ્રક્રિયા યોજાનાર છે. જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોમાં સતાપક્ષ ભાજપા, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિ-પાંખીયો જંગ જોવા મળશે. મુખ્ય બે પક્ષો ભાજપા અને કોંગે્રસની સાથે સાથે આમ આદમી પાર્ટી એ પણ વખતે ગુજરાત વિધાનસભાની ઝંપલાવ્યું છે. ત્યારે જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોમાં ત્રિ-પાંખીયા જંગમાં પણ બાજી મારી છે તે 8 ડિસેમ્બરે ખ્યાલ આવશે. 2017 ની વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર સેકટર પણ અસરકર્તા રહ્યું હતું. ત્યારે આ વખતે આમ આદમી પાર્ટી ભાજપા તથા કોંગે્રસને કેટલું નુકસાન પહોંચાડે છે તે પણ જોવું રહ્યું.
77-જામનગર ગ્રામ્યમાં 2017માં કુલ મતદારો 223516 હતાં, 148056 મતદારોએ મતદાન કર્યુ હતું, જે 66.24 ટકા મતદાન થયું હતું : 80- જામજોધુપર 2017માં કુલ 205251 મતદારો પૈકી 135466 મતદારોએ મતદાન કર્યુ હતું, કુલ 66 ટકા મતદાન નોંધાયું હતું
76-કાલાવડ વિધાનસભા
જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોની વાત કરીએ તો 76 કાલાવડ વિધાનસભા બેઠક ઉપર ભાજપા દ્વારા પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા ઉપર પસંદગીનો કળશ ઢોળાયો છે. તો આમ આદમી પાર્ટી દ્વારા ડો. જીગ્નેશ સોલંકીને ઉમેદવાર જાહેર કરાયા છે. જ્યારે કોંગ્રેસ દ્વારા હજુ સુધી ઉમેદવાર જાહેર કરાયા નથી. 2012 માં 76-કાલાવડની વાત કરીએ તો કુલ 194599 મતદારોમાંથી 133212 મતદારોએ મતદાન કર્યુ હતું. એટલે કે, 68.45 ટકા મતદાન થયું હતું. જે 2017 માં કુલ 215156 મતદારો પૈકી 131351 મતદારો એ મતદાન કર્યુ હતું. એટલે કે, 61.05 ટકા મતદાન થયું જે 2012 કરતાં 7.4 ટકા ઓછું મતદાન થયું કહેવાય. ત્યારે આ વખતના ત્રિપાંખીયા જંગમાં મતદારો કોના તરફ ઢળે છે ? તે જોવું રહ્યું.
77-જામનગર ગ્રામ્ય વિધાનસભા
77 જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક ઉપર ભાજપા દ્વારા હાલના સીટીંગ ધારાસભ્ય અને કેબિનેટ કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલને ઉમેદવાર જાહેર કરાયા છે. જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા પ્રમુખ પ્રકાશ દોંગાને ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે. જ્યારે કોંગે્રસ દ્વારા હજુ સુધી કોઇ નામની જાહેરાત કરવામાં આવી નથી. રાઘવજીભાઈ પટેલ અગાઉ કોંગે્રસ તેમજ ભાજપામાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ ચૂકયા છે અને મંત્રી તરીકે પણ રહી ચૂકયા હોય રાજકીય ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે. ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક પર ભારે રસ્સાકસી જોવા મળી શકે છે. 77-જામનગર ગ્રામ્યમાં કુલ 185818 મતદારો કર્યુ હતું. જે 72.71 ટકાવારી થયું હતું. જે આંકડો 2017 માં કુલ મતદારો 223516 હતાં. જેમાંથી 148056 મતદારોએ મતદાન કર્યુ હતું. જે 66.24 ટકા મતદાન થયું હતું. એટલે કે 2012 ની સરખામણીમાં જામનગર ગ્રામ્યમાં 2017 માં 5.97 ટકા ઓછું મતદાન થયું હતું.
78-જામનગર ઉત્તર વિધાનસભા
જામનગર ઉત્તર વિધાનસભાની બેઠક ઉપર ભાજપા દ્વારા સીટીંગ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાની જગ્યાએ રીવાબા જાડેજાને ઉમેદવાર જાહેર કર્યા છે. ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક ઉપર કોંગે્રસ દ્વારા બિપેન્દ્રસિંહ જાડેજાને ટિકિટ આપવામાં આવી છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા પૂર્વ ડે.મેયર સહિતના અનેક મહત્વના હોદ્દાઓ સંભાળી ચૂકેલા કરશન કરમુરને ટિકિટ આપવામાં આવી છે. આમ આદમી પાર્ટી દ્વારા ઘણાં સમય પૂર્વે જ કરશન કરમુરના નામની જાહેરાત કરી દેવામાં આવી હતી. જામનગર શહેરની આ બેઠક ઉપર ક્ષત્રિય ઉમેદવારો અને આહિર ઉમેદવાર વચ્ચે ત્રિપાંખીયો જંગ જામશે. 2012 માં 78 જામનગર ઉત્તરની બેઠકો ઉપર 2012 માં કુલ 182462 મતદારો પૈકી 120092 મતદારોએ મતદાન કર્યુ હતું. આમ કુલ 65.82 ટકા મતદાન થયું હતું. જ્યારે 2017 માં કુલ 218785 મતદારો પૈકી 143054 મતદાતાઓએ મતદાન કર્યુ હતું. આમ કુલ 65.39 એટલે કે, ગત વખત કરતા 0.43 ટકા ઓછું મતદાન થયું હતું.
79-જામનગર દક્ષિણ વિધાનસભા
જામનગર દક્ષિણ વિધાનસભાની બેઠક વર્ષોથી ભાજપાનો ગઢ રહી છે. ભાજપાના ગઢ સમાન આ બેઠક ઉપર આ વખતે ભાજપા દ્વારા કોર્પોરેટર અને પટેલ સમાજના યુવા આગેવાન દિવ્યેશ અકબરીને ઉમેદવાર જાહેર કરાયા છે. દિવ્યેશ અકબરી જામનગર મહાનગરપાલિકાના શાસક પક્ષ નેતા, દંડક સહિતની મહત્વની જવાબદારીઓ સંભાળી ચૂકયા છે. જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા વિશાલ ત્યાગીને ઉમેદવાર જાહેર કરાયા છે. તો કોંગે્રસ દ્વારા હજુ સુધી આ બેઠક ઉપર ઉમેદવાર જાહેર કરાયા નથી. 79 જામનગર દક્ષિણની બેઠકોની તો 2012 માં કુલ 184017 મતદારોની સંખ્યા પૈકી કુલ 120134 મતદારોએ મતદાન કર્યુ હતું. આમ કુલ 65.28 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે 2017 માં કુુલ 206582 મતદારો પૈકી 133203 મતદારોએ મતદાન કર્યુ હતું. આમ, 64.48 ટકા થયું હતું. એટલે કે, 2012 ની વિધાનસભા ચૂંટણી કરતાં 2017 માં 0.8 ટકા ઓછું મતદાન થયું હતું.
80-જામજોધપુર વિધાનસભા
80-જામજોધપુર વિધાનસભા બેઠક ઉપર પણ આ વખતે ભારે રસીકસી જોવા મળી શકે છે. ભાજપા દ્વારા પૂર્વ ધારાસભ્ય ચિમનભાઈ સાપરિયાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય અને બુધવારે આમ આદમી પાર્ટીમાં જોડાયેલા હેમત ખવાને ઉમેદવાર જાહેર કરાયા છે. પીઢ અગ્રણી ભાજપા ઉમેદવાર ચિમનભાઈ સાપરિયા અને આમ આદમી પાર્ટીના યુવા ઉમેદવાર હેમત ખવાની સામે કોંગે્રસ કોને ઉમેદવાર જાહેર કરે છે ? તે આગામી સમયમાં ખબર પડી જશે. 80-જામજોધપુરમાં કુલ 180373 કુલ મતદારોમાંથી 2012 માં 134861 મતદાતાઓએ મતદાન કર્યુ હતું. આમ 74.77 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે 2017 માં કુલ 205251 મતદારો પૈકી 135466 મતદારોએ મતદાન કર્યુ હતું. આમ કુલ 66.00 ટકા મતદાન નોંધાયું હતું. જે ગત વખતની સરખામણી કરતાં 8.77 ટકા ઓછું નોંધાયું છે.