જામનગર શહેરમાં શરૂ સેકશન રોડ પર આવેલા એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્ધાએ તેના ઘરે દિવાબતી કરતા સમયે દાઝી જવાથી રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જામજોધપુરમાં રહેતાં વેપારી યુવાનને તેના ઘરે હૃદયરોગનો હુમલો આવતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર શહેરમાં શરૂ સેકશન રોડ પર આવેલા કોનિક ટાવરમાં સી-201 માં રહેતાં સવિતાબેન પુંજાભાઈ દામોદરા (ઉ.વ.68) નામના વૃદ્ધા ગત તા.31 જાન્યુઆરીના રોજ સાંજના સમયે તેના ઘરે દિવાબતી કરતાં હતાં તે દરમિયાન પહેરેલા કપડામાં આગ લાગતા દાઝી જવાથી સારવાર માટે ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમની હાલત ગંભીર જણાતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જયાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર મેહુલભાઈ દ્વારા જાણ કરાતા હેકો પી.કે. વાઘેલા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામજોધપુર ગામમાં પંચવટી સોસાયટી રામવાડી 1 વિસ્તારમાં રહેતાં બાબુભાઈ કારાભાઈ શીર (ઉ.વ.46) નામના વેપારી યુવાનને મંગળવારે બપોરના સમયે તેના ઘરે એકાએક છાતીમાં દુ:ખાવો થતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર રાહુલ દ્વારા જાણ કરાતા હેકો આર.એચ.કરમુર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.