કાલાવડ તાલુકાના ચાપરા ગામમાં રહેતાં પટેલ વૃદ્ધ વહેલીસવારના સમયે તેના ખેતરમાં ખેતી કામ કરતા હતા તે દરમિયાન છાતીમાં દુ:ખાવો થતા ઘરે આવીને ખાટલા ઉપર બેસતા સમયે એકાએક છાતીમાં દુ:ખાવો ઉપડતા બેશુધ્ધ થઈ જતાં કાલાવડની સરકારી હોસ્પિટલમાં મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ચાપરા ગામમાં રામ મંદિર પાસે રહેતાં અને ખેતી કરતા પોપટભાઈ જેરામભાઈ કથીરિયા (ઉ.વ.70) નામના વૃદ્ધ શુક્રવારે સવારના સમયે તેના ખેતરે ખેતીકામ કરતા હતાં તે દરમિયાન છાતીમાં દુ:ખાવો થતા વૃદ્ધ તાત્કાલિક તેના ઘરે પરત આવી ગયા હતાં અને ઘરે ખાટલા ઉપર બેસવા જતા સમયે હૃદયરોગનો હુમલો આવતા બેશુદ્ધ થઈ ગયા હતાં. ત્યારબાદ વૃદ્ધને સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર રાજેશભાઈ દ્વારા જાણ કરાતા હેકો જી.આઇ. જેઠવા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.