લાલપુર તાલુકાના પડાણા ગામમાં ખાનગી કંપનીની ઓફિસમાં સિકયોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વૃદ્ધ તેની ફરજ દરમિયાન ખુરશી પર બેઠા હતાં ત્યારે ચકકર આવતા પડી જવાથી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, હરિયાણાના મહેન્દ્રનગઢ જિલ્લાના બંદોતર ગામના વતની અને હાલ લાલપુર તાલુકાના પડાણા ગામમાં એલસી-1 માં રહેતાં અને સોલારીસ્ટ કોર્પોરેશન પ્રા.લિ. કંપનીમાં સિકયોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ધર્મપાલ ચંદેરભાન યાદવ (ઉ.વ.60) નામના વૃધ્ધ ગુરૂવારે બપોરના સમયે તેની ફરજ દરમિયાન ખુરશી પર બેઠા હતાં ત્યારે એકાએક ચકકર આવતા બેશુદ્ધ થઈ જતાં વૃદ્ધને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની અજયકુમાર દ્વારા જાણ કરાતા હેકો વી.સી. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.