જામનગર જિલ્લાના ગાગવાધારમાં રહેતાં પ્રૌઢએ લોન પર લીધેલી સીએનજી રિક્ષાના હપ્તા ભરવાની ઉપાધીમાં ઘરે ઝેરી દવા પી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર જિલ્લાના મોટી ખાવડી સીમ વિસ્તારમાં આવેલા ગાગવાધાર ગામમાં રહેતાં ખીમાભાઇ હીરાભાઇ સંજોટ (ઉ.વ.50) નામના પ્રૌઢે લોન પર સીએનજી રિક્ષા લીધી હતી. પરંતુ આ સીએનજી રિક્ષાની લોનના હપ્તા ભરાય તેમ ન હોવાથી ચિંતામાં આવી ગઇકાલે બપોરના સમયે તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં પ્રૌઢને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર કારગત નિવડે તે પહેલાં જ મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગેની મૃતકના ભાઇ રામાભાઇ સંજોટ દ્વારા જાણ કરાતા હે.કો. એ. એચ. નોઇડા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.


