કેન્દ્રમાં મોદી સરકારને આઠ વર્ષ પૂર્ણ થતાં આ આઠ વર્ષના શાસન દરમિયાન સરકારે મેળવેલી સિધ્ધિઓ અને કરવામાં આવેલા ગરીબ કલ્યાણ અને જનહિતના કાર્યોની જાણકારી જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમે આપી હતી. શહેર ભાજપ કાર્યાલયમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કેન્દ્રની ભાજપ સરકારની સિધ્ધિઓ પ્રસ્તુત કરવા સાથે પત્રકારો સાથે સંવાદ પણ કર્યો હતો.
કેન્દ્ર સરકારના આઠ વર્ષના સુશાસનની સિધ્ધિઓ વર્ણવતા સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના કાર્યોને લોકો સુધી લઇ જવા માટે ગરીબ કલ્યાણ અભિયાન ચલાવવામાં આવશે. જે અંતર્ગત ભાજપ દ્વારા શહેર અને ગ્રામ્ય કક્ષાએ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. જેમાં વૃક્ષારોપણ, કુપોષીત બાળકોનો હેલ્થ કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાશે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા છેવાડાના માનવી માટે અનેક લાભકારી યોજનાઓ લાવવામાં આવી છે અને તેનું અમલીકરણ પણ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા જામનગરમાં વિશ્ર્વનું સૌપ્રથમ ગ્લોબલ ટ્રેડીશ્નલ દવાઓનું સેન્ટર સ્થાપવામાં આવી રહ્યું છે. જે એક મોટી સિધ્ધી છે. આ ઉપરાંત કોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર 12 જેટલા જિલ્લાના બાળકોને દત્તક લઇ તેમના ઉત્થાનનું માનવીય કાર્ય પણ આ સરકાર કરી રહી છે.
પૂનમબેન માડમે પત્રકારોને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે, કેન્દ્રની મોદી સરકારે આઠ વર્ષ સરકાર તરીકે નહીં, પરંતુ એક સેવક તરીકે સરકાર ચલાવી છે. ભારતને નવી ઉંચાઇ પર લઇ જવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત યુવા શક્તિ અને સ્ત્રી શક્તિ ઉપર વિશ્ર્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. મોદી સરકારના આઠ વર્ષ દરમિયાન વહીવટને ભ્રષ્ટાચાર મુક્ત બનાવી સરકારે દેશમાં ઝિરો ટોલરન્સની નીતિ અખત્યાર કરી છે. પરિણામ સ્વરૂપ 2014 પહેલાં અખબારોમાં ભ્રષ્ટાચારની જે હેડલાઇનો બનતી હતી તે આજે ગાયબ છે. કેન્દ્ર સરકારની દરેક યોજનાઓનો લાભ સીધો જ લાભાર્થીને પહોંચાડવામાં આવી રહ્યો છે. પરિણામ સ્વરુપ વચેટીયાઓ ગાયબ થતાં ભ્રષ્ટાચાર પણ ગાયબ થયો છે. દેશના દરેક નાગરિકના આરોગ્યની ચિંતા પણ મોદી સરકાર દ્વારા કરવામાં આવી છે.
આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત રૂા. 5 લાખ સુધીની સારવાર મફત કરવામાં આવી છે. મુસ્લિમ મહિલાઓને ત્રિપલ તલાકનો ડર હતો જે કાઢી નાખવામાં આવ્યો છે. જ્યારે આ આઠ વર્ષ દરમિયાન અગાઉની કોઇપણ સરકાર કરી શકી નથી. તે કાશ્મિરમાંથી કલમ-370 નાબુદ કરવામાં હિમ્મતભર્યું પગલું આ સરકારે લીધું છે. એટલુ જ નહીં પણ વારંવાર ભારતમાં ત્રાસવાદી છમકલા કરતાં પાકીસ્તાનને સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. સરકારની ઝડપથી કામ કરવાની નીતિને કારણે આજે રાજ્યોમાં પણ લોકો ડબ્બલ એન્જિનની સરકાર પસંદ કરી રહ્યાં છે. ગરીબો માટે પીએમ આવાસ યોજના, સ્કલોરશીપ, પેન્શન યોજના જેવી યોજનાઓ પણ લાગુ કરવામાં આવી છે. દેશના 10 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં નિયમિત રીતે કિસાન સન્માનનિધિની રકમ ટ્રાન્સફર કરવામાં આવી રહી છે. આજે દેશના 25 કરોડથી વધુ ગરીબો પાસે બબ્બે લાખ રૂપિયાનો અકસ્માત વિમો અને ટર્મ ઇન્સ્યોરન્સ છે.
જ્યારે 45 કરોડ ગરીબો પાસે જનધન બેંક એકાઉન્ટ છે. દેશમાં કોઇ પરિવાર એવો નહીં હોય જેમને સરકારની નાની-મોટી યોજનાનો લાભ મળ્યો ન હોય. કોરોના સામેની લડતમાં ભારતે વિશ્ર્વમાં સૌથી વધુ 200 કરોડ વેક્સિન ડોઝ આપવામાં આવ્ય છે. જે રેકોર્ડ બ્રેક છે. દરેક ઘરમાં પાણી પહોંચાડવા માટે હર ઘર જલ યોજના શરુ કરવામાં આવી છે.
સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, માત્ર આઠ વર્ષના ટૂંકાગાળામાં જે સિધ્ધિ મોદી સરકારે પ્રાપ્ત કરી છે. તેવી સિધ્ધિ અન્ય કોઇ સરકાર પ્રાપ્ત કરી શકી નથી. આજની આ પ્રેસ કોન્ફરન્સમાં પૂનમબેન માડમની સાથે શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા, શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ જેઠવા, મિડીયા વિભાગના ભાર્ગવભાઇ ઠાકર, દિપાબેન સોની, ચંદ્રવદન ત્રિવેદી વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.