બેંગલુરૂંમાં આજે કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે સિધ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી તરીકે ડીકે શિવકુમાર સાથે અન્ય 8 ધારાસભ્યોએ મંત્રી તરીકેના શપથ લીધા હતા. આજે યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં રાજયપાલે તમામ મંત્રીઓને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યા હતા. આ સાથે જ કર્ણાટકમાં સંપૂર્ણ બહુમતિ સાથેની કોંગ્રેસ સરકાર અસ્તિત્વમાં આવી ગઇ છે.
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં 136 બેઠકો સાથે જંગી બહુમતિ મેળવ્યા બાદ કોંગ્રેસમાં સીએમ પદને લઇને કોકડું ગુંચવાયું હતું. પાંચ દિવસના મંથન બાદ સિધ્ધારમૈયાને મુખ્યમંત્રી અને ડીકે શિવકુમારને નાયબ મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય કરાયા બાદ આજે બન્નેએ શપથ ગ્રહણ કર્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસના આઠ ધારાસભ્યો ડૉ. જી. પરમેશ્ર્વરા, કે.જે. જયોર્જ, કે.એચ. મુનિયપ્પા, સતિષ જારકીહોલી, જમીર અહેમદ, રામલિંગા રેડી, બી.કે. હરિપ્રસાદ અને એમ.બી. પાટિલે મંત્રી તરીકેના શપથ લીધા હતા.કર્ણાટક કોંગ્રેસ દ્વારા શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રિત કરવામાં આવેલા નેતાઓમાં ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતાઓ સામેલ નથી. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ સિવાય છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત, હિમાચલ પ્રદેશના સીએમ સુખવિંદર સિંહ સુક્ખુ, ઝારખંડના સીએમ હેમંત સોરેન, તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિનને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
ઓડિશાના સીએમ નવીન પટનાયક, તેલંગાણાના સીએમ કે ચંદ્રશેખર રાવ, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી, બિહારના સીએમ નીતિશ કુમાર, એસપી ચીફ અખિલેશ યાદવ, એનસીપી ચીફ શરદ પવાર, મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે, બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ અને નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લાએ હાજરી આપી હતી. પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.