જામનગરની એમ.પી.શાહ ગવર્મેન્ટ મેડિકલ કોલેજને નેશનલ મેડિકલ કમિશન દ્વારા મેડિકલ એજ્યુકેશન રિજીયોનલ સેન્ટર તરીકેની માન્યતા મળેલ છે. ગત તા.૬ ઓગસ્ટના રોજ નેશનલ મેડિકલ કમિશનના પ્રેસીડન્ટ ડો.અરુણા વાણીકર તેમજ ડો.વિજેન્દ્રકુમાર, મેયર બીનાબેન કોઠારી, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટિના કુલપતી ગીરીશભાઈ ભીમાણી, શહેર પ્રમુખ વિમલભાઈ કગથરા, હસમુખભાઈ હિંડોચા વગેરેની ઉપસ્થિતિમાં તેમજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ, સાંસદ પૂનમબેન માડમ વગેરેના શુભ સંદેશા સાથે મેડિકલ એજ્યુકેશન રિજીયોનલ સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું
રિજીયોનલ સેન્ટરના પ્રારંભે બેઝીક ટ્રેનીંગની શરૂઆત કરવામાં આવી હતી. તેમજ એમ.બી.બી.એસ.ના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા દતક લીધેલા ગ્રામિણ કુટુંબો સાથે નેશનલ મેડિકલ કાઉન્સિલના હોદ્દેદારોએ મુલાકાત કરી વાર્તાલાપ કર્યો હતો. સાથે સાથે સંસ્થાના ફેકલ્ટીસ સાથે શિક્ષણ ક્ષેત્રે કરવાના થતા જરૂરી સુધારાઓ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી તેમજ વિદ્યાર્થીઓના પ્રશ્નો સાંભળી તેમનું નિરાકરણ લાવવાની પણ ખાતરી અપાઇ હતી.
અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત મેયર બીનાબેન કોઠારી તથા ગીરીશભાઈ ભીમાણી વગેરેએ શુભેચ્છા પાઠવી હતી તેમજ તબીબી સેવાઓને વધુ બળવતર તેમજ લોકભોગ્ય બનાવવા તબીબોને અનુરોધ કર્યો હતો આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેડિકલ ફેકલ્ટી ડીન ડો.નયનાબેને સમગ્ર ગુજરાતમાં સરકારી મેડિકલ કોલેજમાં સૌપ્રથમ જામનગરને મળેલ આ સિદ્ધિને બિરદાવી હતી.
આ અંગે વધુ વિગતો આપતા જામનગર મીડિકલ કોલેજના ડીન નંદિની દેસાઈએ જણાવ્યું હતું કે રિજિયોનલ સેન્ટરની સાથે સાથે જામનગર મેડિકલ કોલેજને આ સાથે અન્ય બે ઉપલબ્ધિઓ પણ મળી છે જેમાં મલ્ટી ડિસિપ્લિનરી રિસર્ચ યુનિટ કે જે સમગ્ર રાજ્યમાં માત્ર જામનગર સરકારી મેડિકલ કોલેજ ખાતે ઉપલ્બધ છે તેમજ વારસાગત રોગોની ખામીઓને શોધવામાં ઉપયોગી એવી જીનેટીક લેબનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. હતું. આ સુવિધાથી વારસાગત ખામીઓ અને રોગોને લગતા ટેસ્ટ હવે જામનગરના લોકોને ઘર આગણે જ ઉપલબ્ધ થશે.
એડિશનલ ચીફ સેક્રેટરી મનોજ અગ્રવાલ અધિક નિયામક ડો.દીક્ષિત તથા આરોગ્ય કમિશનર તરફથી પણ આ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવાઈ હતી. સમારંભને અંતે મેડિકલ એજ્યુકેશન યુનિટના ડો. ઇલેશ કોટેચા દ્વારા કાર્યક્રમની આભાર વિધિ કરવામાં આવી હતી.
આ કેન્દ્રની શરૂઆત થતા જામનગરના તબીબો કે જેઓ અત્યાર સુધી ઇનહાઉસ વર્કશોપ કરતા હતા તે હવે જામનગર રિસર્ચ સેન્ટરના માધ્યમથી રાજ્યની રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, હિંમતનગર, ભુજ, જૂનાગઢ, વિસનગર, પાટણ, તથા જામનગરની મળી નવ મેડિકલ કોલેજોને પણ તબીબી ક્ષેત્રનું શિક્ષણ આપશે તેમજ વિદ્યાર્થીઓને કેવી રીતે સારા ડોક્ટર બનાવવા તે દિશામાં કામ કરશે.