રાજ્ય સરકાર દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન અટલબિહારી બાજપાઈના જન્મદિવસ નિમિત્તે રાજ્યમાં સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે શહેરના ટાઉનહોલ ખાતે શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળના જિલ્લા રોજગાર કચેરી, આઇ.ટી.આઇ. જામનગર, લેબર કમીશનરની કચેરી તથા જિલ્લા વહિવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે લાભાર્થીઓને રોજગાર પત્રો, એપ્રેન્ટીસ કરાર પત્રો તેમજ ઈ-શ્રમ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષપદે ઉપસ્થિત રહેલ શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે સમગ્ર સપ્તાહ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા સુશાસન સપ્તાહ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું અને આ સપ્તાહના માધ્યમથી રૂ.બે હજાર કરોડ જેટલી માતબર રકમ સહાયરૂપે સીધી લાભાર્થીઓના ખાતામાં જમા થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી અને આવા વૈવિધ્યસભર આયોજનોના કારણે જ ગુજરાત તાજેતરમાં સુશાસનના પરીમાણોમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે આવ્યું છે.
યુવાધનનો આત્મવિશ્વાસ વધે, વૈશ્વિક સ્પર્ધામાં રાજ્ય ઉભુ રહી શકે તેમજ યુવાઓનો કૌશલ્ય વિકાસ થાય તે માટે સરકારે યુવાઓના કૌશલ્યને સમજીને ઉદ્યોગો સાથે સમન્વય કરી તે પ્રકારના પ્રોફેશનલ કોર્સિસ આઈ.ટી.આઈ.માં ઉમેર્યા છે અને કુશળ યુવાઓ માટે રોજગારી પૂરી પાડવાનું યોગ્ય માધ્યમ ઉભું કર્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લા રોજગાર કચેરીને રાજ્ય સરકારના ૧૦૦ દિવસના મહત્વના પ્રોજેક્ટ અંતર્ગત ૧૨૨૪ ઉમેદવારોને રોજગારી ઉપલબ્ધ કરાવવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. જેની સામે જિલ્લા રોજગાર કચેરીના પ્રયત્નોથી જિલ્લાના કુલ ૧૨૨૬ યુવાઓએ રોજગારી મેળવેલ છે. ઉક્ત સમય દરમિયાન ૩૯૫ યુવાનોએ એપ્રેન્ટિસશિપ કરેલ છે તેમજ અત્યાર સુધીમાં જિલ્લામાં ૯૦ હજાર શ્રમિકોને ઇ-શ્રમ કાર્ડ આપી લાભન્વિત કરવામાં આવ્યા છે. જે પૈકીના ૫ રોજગાર પત્ર, ૫ એપ્રેન્ટિસ કરાર પત્ર અને ૫ ઇ-શ્રમ કાર્ડ પ્રતિકાત્મક રૂપે સ્ટેજ પરથી મહાનુભાવોના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના સ્થળે ઈ-શ્રમ રજીસ્ટ્રેશન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં લાભાર્થીઓએ પોતાની નોંધણી કરાવી હતી.
આ કાર્યક્રમમાં મહેમાનોનું શાબ્દિક સ્વાગત જિલ્લા રોજગાર અધિકારી સાંડપા તેમજ કાર્યક્રમની આભારવિધિ ડો.ધ્વની રામી શ્રમ અધિકારી જામનગરે કરી હતી.
આ પ્રસંગે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, ડે.મેયર તપનભાઈ પરમાર, સ્ટેન્ડીગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, જિલ્લા વિકાસ અધિકારી પટેલ, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, ભરતભાઈ કાસોટીયા, મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, મેરામણભાઈ ભાટુ, વિજયસિંહ જેઠવા, પ્રાંત અધિકારી આસ્થાબેન ડાંગર તથા અક્ષય બુદાણીયા તેમજ બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.