આજે વહેલી સવારે ભૂકંપના કારણે ભારત અને અફઘાનિસ્તાનની ધરતી ધણધણી ઉઠી હતી. સૌથી પહેલા મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં સવારે 2:21 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કોલ્હાપુરમાં 3.9 રિક્ટર સ્કેલની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અહેવાલ પ્રમાણે જમીનથી 10 કિમી અંદર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયુ હતું અને હજુ સુધી જાન-માલના નુકસાનને લગતા કોઈ સમાચાર સામે નથી આવ્યા.
મહારાષ્ટ્ર બાદ અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના આંકડાઓ પ્રમાણે સવારે 2:55 કલાકે 4.3ની તીવ્રતાનો ધરતીકંપ નોંધાયો હતો. તેનું કેન્દ્ર જમીનથી 80 કિમી અંદર હતું અને તેના ભૂકંપના કારણે રાજધાની કાબુલની આસપાસના વિસ્તારો પ્રભાવિત થયા હતા. ત્યાર બાદ સવારે 3:28 કલાકે જમ્મુ કાશ્મીરના કટરા વિસ્તારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.4 નોંધાઈ હતી અને તેનું કેન્દ્ર જમીનથી 5 કિમી અંદર નોંધાયું હતું. સદનસીબે ભૂકંપના આ આંચકાઓના કારણે જાન-માલના નુકસાનને લગતી કોઈ ઘટના નથી નોંધાઈ.
ધરતીની પ્લેટોમાં અથડામણ થવાના કારણે ધરતીકંપ આવે છે. પૃથ્વીની સંરચના સમજીએ તો સમગ્ર ધરતી 12 ટેક્ટોનિક પ્લેટો પર સ્થિત છે. તેના નીચે તરલ પદાર્થ લાવા રહેલો છે. તમામ પ્લેટ્સ એ લાવા પર તરી રહી છે અને તેમની વચ્ચે અથડામણ થવાના કારણે ઉર્જા નીકળે છે જેને ભૂકંપ કહે છે. હકીકતે આ પ્લેટ્સ ખૂબ જ ધીમે-ધીમે ફરતી રહે છે અને આમ તે દર વર્ષે પોતાના સ્થાન પરથી 4-5 મિમી ખસતી રહે છે. કોઈ પ્લેટ અન્ય પ્લેટની નજીક જાય છે તો કોઈ દૂર થઈ જાય છે. તેવામાં ઘણી વખત તેઓ એકબીજા સાથે અથડાઈ જતી હોય છે અને ભૂકંપ સર્જાય છે.