રવિવારે સમી સાંજના સૌરાષ્ટ્રના મોરબી ખાતે જે રીતે લાકડાનો પુલ તૂટી ગયો અને આશરે 150 જેટલા લોકોના નિધન થયા, તે ઘટના પરથી હવે વહેલી તકે દેવભૂમિ દ્વારકા વહીવટી તંત્રએ યાત્રિકોની ભીડને ખાળવા અલગ અલગ વ્યવસ્થા કરવા માટે વહેલી તકે નક્કર પગલા લેવા જોઈએ તેઓ સુર દ્વારકાવાસીઓ સાથે યાત્રાળુઓમાં ઊઠવા પામ્યો છે. ત્યારે બેટ દ્વારકામાં પ્રાંત અધિકારી અને ટીમે ઓખા જેટીની મુલાકાત લઈ બોટ ધારકોને કડક સુચના આપવામાં આવી હતી
બેટ દ્વારકામાં યાત્રિકોની ભારે ભીડના કારણે બેટ દ્વારકાની બોટમાં મુસાફરોના અવરજવરની સંખ્યા કાબુમાં રાખવા માટે તથા સરળ વ્યવસ્થા માટે દ્વારકા જિલ્લા કલેકટર એમ.એ. પંડ્યાની સૂચનાથી પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા મહેસૂલી તંત્રની ટીમને લઈ બેટ દ્વારકા ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમના જણાવ્યા અનુસાર તેમણે બેટ દ્વારકા જેટી તથા ઓખા જેટીની સ્થળ મુલાકાત લીધી છે. તેમની સાથે ઓખા પોલીસ, જીએમબી, તથા અન્ય તંત્ર પણ જોડાયું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ફેરીબોટમાં તેમની ક્ષમતા કરતા દશ લોકો ઓછા બેસાડવાની તાકીદ કરવામાં આવી છે. તમામ ફેરી બોટની અંદર લાઈફ જેકેટ રાખવા ફરજિયાત કરવામાં આવ્યા હતા. તેની સાથે ઓખા જેટી અને બેટ દ્વારકા જેટી પર સુરક્ષા અને તરવૈયાઓની ટીમ હાજર રાખવામાં આવી છે.
પ્રાંત અધિકારીના જણાવ્યા અનુસાર સુદામા સેતુ પર સો લોકોને એન્ટ્રી મળ્યા બાદ અને તેઓએ સુદામા સેતુ પાર કર્યા બાદ ફરી સો લોકોને એન્ટ્રી આપવામાં આવી હતી. પરંતુ ભીડ તથા લોકોની સુખાકારીને ધ્યાન લેતા અને મોરબીની મચ્છુ નદીના પુલ જેવી હોનારત ન સર્જાય તે હેતુથી દ્વારકામાં સુદામા સેતુ હાલ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ સુદામા સેતુની સેફટી અંગે એન્જિનિયરોને બોલાવવામાં આવ્યા છે. એન્જિનિયરોની ખરાઈ કર્યા બાદ પ્રવાસીઓને તે પુલ પરથી આવાગમન કરવા માટેની પરવાનગી આપવામાં આવશે તેમ વધુમાં જાણવા મળ્યું છે.
અત્રે ઉલ્લેખ્યા છે કે વર્ષ 2016 માં પવિત્ર ગોમતી નદી પર તૈયાર કરવામાં આવેલો સુદામા સેતુને ખુલ્લો મુકવામાં આવ્યો છે. તાજેતરમાં દિવાળી, ભાઈબીજના મહત્વના તહેવારો ભવ્ય રીતે અને લાખોની સંખ્યામાં યાત્રાળુઓની ઉપસ્થિતિમાં સંપન્ન થઈ ગયા છે. ત્યાર પછી મોરબીની કરુણાંતિકા બાદ સફાળું જાગેલું તંત્ર બેટ દ્વારકામાં ફેરીબોટમાં યાત્રાળુઓની સંખ્યાના નિયમન તથા સુદામા સેતુ પરથી યાત્રાળુઓની અવર-જવર પર નજર રાખવા હવે દોડતું થયું છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં દિવાળીના મીની વેકેશનમાં જે રીતે યાત્રિકોની ભીડ જોવા મળી, તે દ્વારકાના ઇતિહાસમાં એક નોંધનીય ભીડ હોવાનું ચોક્કસ માનવું પડે. ખુદ વહીવટી તંત્ર પણ આટલી ભીડના મુદ્દે આ વાતનો સ્વીકાર કરે છે. તો પણ દર્શનાર્થીઓ માટે સરળ અને અકસ્માતને નીવારવા શું પગલાં લેશે કે લીધા તે એક ચિંતાનો વિષય કહી શકાય.
દિવાળીના તહેવારોમાં યાંત્રિકોની ભીડના અનુસંધાને મંદિર પરિસર, ગોમતીઘાટ અને મંદિર પરિસરની બહાર જે રીતે યાત્રિકો કલાકો સુધી કાળિયા ઠાકોરના દર્શન માટે લાઈનો લગાવી હતી, તેમાં જરા પણ ધક્કા મુક્કી થાય અથવા અન્ય કોઈ બાબતે જો દોડધામ થાય, તો યાત્રિકોમાં નાસભાગ મચી જાય. આવા સંજોગોમાં તંત્ર પાસે અકસ્માતને ખાળવા ન તો કોઈ બચાવ ટીમ કે બચાવ કામગીરી માટે કોઈ ઠોસ નિષ્ણાંતોની ટીમ સ્ટેન્ડ બાય હોય, જે ચિંતાનો વિષય કહી શકાય.
આવી ભીડમાં મહિલાઓની સંખ્યા પણ નોંધપાત્ર હતી. આવા સંજોગોમાં મોરબીની ઘટના દ્વારકામાં ઠોશ વ્યવસ્થા માટે લાલબત્તી સમાન છે.
દ્વારકામાં જ્યારે કોઈ વીઆઈપી દર્શન કરવા આવે તો તમામ વ્યવસ્થા હોય છે. દ્વારકાની યાત્રાએ આવતા વીઆઈપીઓની વિઝીટ જાહેર થતાની સાથે જ દરેક પ્રકારના પ્રોટોકોલ, સુરક્ષા અને જરૂરી વ્યવસ્થાની તમામ તૈયારીઓ થઈ જાય છે. એટલું જ નહીં પરંતુ એમ્બ્યુલન્સ, ફાયર, તબીબોની ટુકડી આવા તમામ સેવાઓ તાત્કાલિક અસરથી ઊભી કરી દેવામાં આવે છે.
ભારે ભીડના કારણે આઈ.જી. અને એસ.પી.એ પણ મુલાકાત લીધી હતી
તાજેતરની દ્વારકામાં ભીડના મુદ્દે નવનિયુક્ત આઈ.જી. અશોકકુમાર યાદવ, જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય તથા ડીવાયએસપી સમીર સારડાએ મંદિર પરિસરની ભીડ વચ્ચે રૂબરૂ યાત્રિકોને મળીને મુશ્કેલીઓ તથા વ્યવસ્થાની જાણકારી મેળવી હતી અને પોલીસ વિભાગ તરફથી ભીડને ખાળવા થયેલા સૂચનો ખૂબ જ યોગ્ય અને વ્યાજબી છે, જેની નોંધ લીધી હતી. જે વહીવટી તંત્ર એ પણ નોંધ લેવી જોઈએ.