ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ પર્વ જન્માષ્ટમીની ઉજવણીને લઇ સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકા સજ્જ થયું છે. જન્માષ્ટમીની ઉજવણીને લઇ યાત્રિકોનો પ્રવાહ પણ શરુ થઇ ચૂકયો છે. જેને લઇ દ્વારકાની બજારોમાં ભારે ચહલ-પહલ જોવા મળી રહી છે. રેલવે અને એસ.ટી. દ્વારા પણ મુસાફરોની સુવિધાને ધ્યાને લઇ વધારાની બસો તથા ટ્રેન અને ટ્રેનના ડબ્બાની સુવિધા શરુ કરવામાં આવી છે. જન્માષ્ટમી પર્વમાં દ્વારકામાં ભાવિકોનું ઘોડાપુર ઉમટતુ હોય, જિલ્લા પોલીસ વડા નિતેષ પાંડેની રાહબરી હેઠળ જગત મંદિર સહિતના તમામ યાત્રિક સ્થળો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો છે. તેમજ જગત મંદિરને રોશનીના શણગાર સહિતના આયોજનો થઇ ચૂકયા છે. ભાવિકભક્તો શ્રીકૃષ્ણના જન્મોત્સવને વધાવવા આતુર થયા છે.