દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી અનધિકૃત રીતે વેચાતા આયુર્વેદિક પીણાંની આડમાં આરોગ્યને નુકસાનકર્તા એવા કેફી પીણું ભરેલા સીરપની બોટલનો તોતિંગ જથ્થો પોલીસે પકડી પાડી, આ પ્રકરણમાં સમગ્ર રાજ્યમાં નોંધપાત્ર કામગીરી કરી છે. દ્વારકા જિલ્લા પોલીસે કથિત આયુર્વેદિક ઔષધીઓનો કાયદાકીય છૂટછાટનો ગેરલાભ ઉઠાવી અને ચાલાકીપૂર્વક કરોડો રૂપિયાનો ધીકતો ધંધો કરતા વ્હાઈટ કોલર બુટલેગરોને પકડી પાડ્યા છે. આ પ્રકરણમાં નશાબંધી અધિકારી સહિત ચાર શખ્સોને હાલ ફરાર જાહેર કરવામાં આવ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળ ખાતે થોડા સમય પૂર્વે બે દુકાનદારો પાસેથી સેલ્ફ જનરેટેડ આયુર્વેદિક સીરપનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં વિવિધ રીતે સંકળાયેલા દુકાનદારો, હોલસેલ વીક્રેતાઓ, ઉત્પાદકો, સીરપ કંપનીના મેનેજર, વિગેરે સહિત આઠ શખ્સોની દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે ધરપકડ કરી હતી. આ પ્રકરણમાં જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં વિવિધ મહત્વની બાબત પ્રકાશમાં આવી હતી. પોલીસ સૂત્રો દ્વારા આ અંગે જણાવ્યા મુજબ સંજય શાહ નામના એક આસામી દ્વારા થોડા સમય પૂર્વે હર્બોગ્લોબલ ફાર્માસ્યુટિકલ કંપનીની સ્થાપના કરવામાં આવી હતી. જ્યાં અમિત વસાવડા કે જેની પાસે આયુર્વેદિક ક્ષેત્રનું કોઈ જ્ઞાન ન હતું, તેની આયુર્વેદિક ફોમ્ર્યુલેશનની કામગીરી કરવામાં આવતી હતી. તેની સાથે રાજેશ દોકળે અને માર્કેટિંગ અને પ્રોડક્શનનું કામ સંભાળતા સુનિલ કક્કડનું નામ જાહેર થયું છે.
આ કંપની આસવ અરિષ્ઠા આયુર્વેદ બાબતે સરકાર દ્વારા આલ્કોહોલ બાબતે નક્કી કરવામાં આવેલા નિયમોની છૂટછાટનો દુરુપયોગ કરી અને ચાલાકીપૂર્વક આયુર્વેદિક પીણાંના નામે આલ્કોહોલિક બિયરનો ધંધો કરતા હતા. જે કંપનીમાં વાર્ષિક 80 થી 90 લાખ જેટલી બોટલનું પ્રોડક્શન તેમજ આશરે રૂા.20 થી 22 કરોડ રૂપિયાનું વેચાણ થતું હોવાનું પણ પોલીસમાં જાહેર થયું છે.
વધુમાં જાણવા મળતી વિગત મુજબ આયુર્વેદ બાબતે લાયકાત વગરનો અમિત વસાવડા દ્વારા તેની ઓછી સમજ વચ્ચે સીરપમાં આયુર્વેદિક ફોર્મ્યુલેશન બનાવાયું હતું. જે આયુર્વેદ નિષ્ણાત દ્વારા ચકાસવામાં આવતા આ પ્રોડક્ટમાં લેબલમાં દર્શાવેલા માપ કરતા આયુર્વેદિક તત્વો ખૂબ જ ઓછા પ્રમાણમાં ઉમેરવામાં આવ્યા હતા. જેથી આયુર્વેદિક પીણાંમાં દવાનો સ્વાદ કે સુગંધ આવે નહીં. કંપનીનો ઇરાદો પ્રથમથી જ આસવ અરિષ્ઠા બનાવવાની જગ્યાએ બિયર બનાવવાનો હતો. આવા પીણામાં બીયરનો સ્વાદ અને સુગંધ આવે તે માટેની તકેદારી રાખવામાં આવતી હતી.
બીયર ઇન્ડસ્ટ્રીમાં વપરાતા હોપ્સ ફલાવરના બિયારણના એક્ટ્રેક્ટ ઉમેરવામાં આવતું. જેથી બિયર જેવી બીટરનેસ (તુરાશ) આવે. જે બાબતનો કોઈ ઉલ્લેખ ફોમ્ર્યુલેશનમાં જણાવ્યો નથી અને જે હોપ્સ જે કંપની પાસેથી મંગાવવામાં આવતું, તેનો નાણાકીય વ્યવહાર પણ ખાનગી રીતે કરવામાં આવતો હતો.
સરકાર દ્વારા આસવ અરિષ્ઠામાં 12 ટકા આલ્કોહોલ વાપરવાની પરવાનગી આપવામાં આવેલ. જેનો હેતુ ઔષધીય તત્વોનું પ્રિઝર્વેશન 10 વર્ષ સુધી થઈ શકે તે માટેનો હતો. આ કંપનીમાં નશો થાય તે માટે આલ્કોહોલની માત્રા મેક્સિમમ રાખવા માટે પ્રોડક્શન ટીમને સૂચના આપવામાં આવતી હતી.
વધુમાં પીણાની બોટલોનો કલર અંબર કલર જેવો હોવો જોઈએ જેથી સૂર્યપ્રકાશથી તેની અંદર રહેલા તત્વોને કોઈ નુકસાન ન થાય. પરંતુ કંપનીવાળા પ્રોડક્ટનું વેચાણ વધારવા અને ગ્રાહકોને આકર્ષિત કરવા માટે માર્કેટમાં ટ્રેન્ડ ઉપર ચાલતા પીણાંના બોટલના કલર જેવી જ બોટલો માર્કેટમાં ઠાલવતા હતા.
પ્રિઝર્વેટીવ અને ક્લિનિંગ પાઉડરનો ઉપયોગ તેમજ બિયર જેવો ટેસ્ટ લાવવા હોપ્સનો ઉપયોગ કરવામાં આવતો તે બાબતે પ્રોડક્શન પ્રોડક્ટ ઉપર ફોમ્ર્યુલેશન સ્ટીકરમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવતો ન હતો. આ પ્રકારની સીરપના બનાવટમાં સરકારના તમામ નિયમોને અનુસરવામાં આવતા ન હતા. ફેક્ટરીમાં ક્વોલિટી કંટ્રોલ લેબ પણ ન હતી. તમામ પ્રોડક્ટના સેમ્પલ લેવાના બદલે એક જ સેમ્પલ લેબ ટેસ્ટ માટે મોકલવામાં આવતું હતું. આયુર્વેદનો અભ્યાસ કરેલો ન હોય તેમજ આયુર્વેદના જાણકાર ના હોય તેવા કર્મચારીઓ અહીં કામ કરતા હતા. આ કંપનીમાં છેલ્લા ત્રણ વર્ષમાં ક્યારેય પણ કોઈ ઇન્સ્પેક્શન કરવા આવ્યું ન હતું. પરંતુ છેલ્લે જુલાઈ 2023 ના માસમાં ઇન્સ્પેક્શન આવ્યું હતું અને ઘણી ખામીઓ દર્શાવવામાં આવી હતી. જે બાબતે નામ માત્રનું ક્વોલિટી એસ્યોરન્સ કંટ્રોલ બનાવેલ હતો.
હર્બોગ્લોબલ કંપની દ્વારા કરવામાં આવેલા પ્રોડક્શનને આ જ કંપનીના માલિકો દ્વારા એ.એમ.બી. નામની ડમી લોન ફોર્મ બનાવી તેની મદદથી પ્રોડક્ટને માર્કેટમાં મૂકવામાં આવી હતી. સમગ્ર ગુજરાતમાં અમદાવાદની સી.ઓ. એન્ટરપ્રાઇઝ કે જેની પાસે એસ.એ. – 2 લાયસન્સ હતું, તેના દ્વારા વેચાણ કરવામાં આવતું હતું. સરકારના નશાબંધી અધિકારી મેહુલ ડોડીયા દ્વારા શિવમ એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાર બાદ કંપનીના સિસ્ટમ મેનેજમેન્ટ માટે મેહુલ ડોડીયાને કંપનીનો બે/તૃતીયાંશ પાર્ટનર બનાવી દેવામાં આવ્યો હતો. જેના બદલામાં તેણે નશાબંધી અધિકારી તરીકે વીઆરએસ લઈ અને રિટાયરમેન્ટ બાદ શિવમ એન્ટરપ્રાઇઝમાં પાર્ટનર તરીકે જોડાવાનું આગોતરું આયોજન કર્યું હતું.
આ કંપનીના ડીસ્ટ્રીબ્યુટરની પૂછપરછમાં કંપની સાથે વાતચીતમાં ‘મજા આવશે’, ‘કરંટ આવશે’, ‘કીક મળશે’ જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવતો હતો. મહદ અંશે નશાની ડિમાન્ડ ધરાવતા સૌરાષ્ટ્રને આ કંપની દ્વારા જાણે ટાર્ગેટ કરવામાં આવતું હતું. પથરી અને અનિદ્રાના વધુ પડતા દર્દીઓ સૌરાષ્ટ્રમાં હોય, આવી સીરપનું વેચાણ સૌરાષ્ટ્રમાં દિન-પ્રતિદિન વધી રહ્યું હતું.
આવા આયુર્વેદિક પીણાંને કોઈ ડોક્ટર તેમના પ્રિસ્ક્રિપ્શનમાં લખતા ન હતા. ફક્ત અને ફક્ત પાન મસાલાના ગલ્લાવાળાઓ જ તેનું વેચાણ કરતા હતા. આવા સીરપ કયા રોગમાં કેવી રીતે ઉપયોગ કરવા, કયા પ્રકારના ઉપચાર માટે ઉપયોગી છે, તેવો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ બોટલના લેબલ ઉપર કરવામાં આવતો ન હતો. પાનગલ્લા ઉપર આયુર્વેદિક બોટલ લેવા જાય ત્યારે લાલ ઘોડા, લીલા ઘોડા જેવા નામથી પ્રોડક્ટની ઓળખ આપતા હતા. આ લેબલ અંગ્રેજી ભાષામાં હતું જેથી આયુર્વેદિક તજજ્ઞ જ તેને સમજી શકે. જે બાબતે દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી વિભાગના પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારી દ્વારા અવિરત રીતે ઊંડાણપૂર્વકની તપાસ અને સંશોધનમાં વિવિધ ગંભીર મુદ્દાઓ પણ પ્રકાશ પડ્યો હતો.
આ સમગ્ર પ્રકરણમાં અગાઉ ઓખાના નિલેશ ભરતભાઈ કાસ્ટા, ખીજદડના વિરેન્દ્રસિંહ ઉર્ફે ગોપાલ સુરુભા જાડેજા, જામનગરના અર્જુનસિંહ મહિપતસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, અમદાવાદના સુનીલ સુરેન્દ્રભાઈ કક્કડ, વાપીના આમોદ અનિલભાઈ ભાવે, ઉમરગામના ભાવિક ઇન્દ્રવદન પ્રેસવાલા, તેમજ ખાતે રહેતા અમિત લક્ષ્મીપ્રસાદ વસાવડા નામના આઠ શખ્સોની અટકાયત કરી લેવામાં આવી હતી. આ પ્રકરણમાં રોકાણકાર તથા કંપનીના સંચાલક સંજય પન્નાલાલ શાહ, નિવૃત્ત નશાબંધી અધિકારી મેહુલ રામશી ડોડીયા, સેલ્સ પ્રોડક્શન અને માર્કેટિંગના રાજેશ ગોપાલકુમાર દોકળે તેમજ પંકજ પ્રભુદાસ વાઘેલા નામના ચાર શખ્સોને પોલીસે હાલ ફરાર જાહેર કરી, આ ચાર શખ્સોની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે અત્યાર સુધીમાં આયુર્વેદિક સીરપના નામે વેચાતા સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ બિયર અંગેના જુદા જુદા છ ગુના નોંધ્યા છે. જેમાં અત્યાર સુધીમાં કુલ 28,070 બોટલ આયુર્વેદિક સીરપ મળી, કુલ રૂપિયા 44,86,854 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. સાથે સાથે કુલ 21 આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના સીધા માર્ગદર્શન હેઠળ આયુર્વેદ સીરપનું વેચાણ નેસ્ત નાબુદ કરી અને વ્હાઈટ કોલર બુટલેગરો જેવા આરોપીઓને ઝડપી પાડવા તેમજ આ પ્રકરણના મૂળ સુધી પહોંચવા માટે એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલ, દ્વારકાના પી.આઈ. તુષાર પટેલ, એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પી.આઈ. પ્રશાંત સિંગરખીયા, એલ.સી.બી. પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, ખંભાળિયાના ઇન્ચાર્જ પી.આઈ. નિકુંજ જોશી, વિગેરે સાથે એલ.સી.બી., એસ.ઓ.જી. અને જિલ્લા પોલીસની ટીમ દ્વારા અવિરત રીતે નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી. જે સમગ્ર રાજ્યમાં નોંધપાત્ર બની રહી છે.