જામનગર શહેર અને જિલ્લામાં જુદા જુદા 48 ગુનાઓ નોંધી કબ્જે કરવામાં આવેલા માદક પદાર્થ ગાંજો, એમડીએમએ પાઉડર, મેફેડ્રોન પાઉડર, અફિણ, ચરસ સહિતનો રૂા. 53 લાખની કિંમતનો ગાંજાનો જથ્થો એસઓજીની ટીમ દ્વારા ભૂજમાં નાશ કરવામાં આવ્યો હતો.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેર અને જિલ્લામાં એનડીપીએસ એક્ટ હેઠળ જુદા જુદા 48 દરોડામાં કબ્જે કરવામાં આવેલા નશીલા પદાર્થનો જથ્થો નાશ કરવા માટેની મંજૂરી મળતાં પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના સભ્ય ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઇ બી. એન. ચૌધરી, પીએસઆઇ એલ. એમ. ઝેર, એ. વી. ખેર તથા એસઓજીના સ્ટાફએ રૂા. 16,36,405ની કિંમતનો 176.795 કિ.ગ્રામ ગાંજાનો જથ્થો, રૂા. 21,94,000ની કિંમતનો 219.04 કિ.ગ્રા. મેફેડ્રોન પાઉડર, રૂા. 5.90 લાખની કિંમતનો 59 ગ્રામ એમડીએમએ પાઉડર અને રૂા. પ700ની કિંમતના અફીણ 190 ગ્રામ અને રૂા. 8,78,850ની કિંમતનો ચરસનો 5.859 કિ.ગ્રા. જથ્થો મળી કુલ રૂા. 53,04,955ની કિંમતનો નશીલા પદાર્થનો જથ્થો કચ્છના ભચાઉ તાલુકાના જૂના કટારિયા ગામમાં આવેલી સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રા. લિ. કંપનીમાં ઉચ્ચ તાપમાનવાળી ભઠ્ઠીમાં નાખીને નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


