જામનગર તાલુકાના ફલ્લા ગામ નજીક રાજકોટ ધોરીમાર્ગ પરથી પસાર થતા બાઈકસવાર આડે ખુટીયો ઉતરતા ચાલકે કાબુ ગુમાવી દેતા બાઈક પરથી પટકાતા પ્રૌઢનું ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં સુભાષમાર્કેટ પાછળ આવેલા ખાટકીવાડમાં રહેતાં અબ્બાસભાઈ જુમાભાઈ મહુર (ઉ.વ.55) નામના વાઘેર પ્રૌઢ ગત તા.21 ના સવારના 11 વાગ્યાના અરસામાં જામનગર થી સોયલ ગામ તરફ તેના જીજે-10-સી-4048 નંબરના એકટીવા પર જતા હતાં. ત્યારે ફલ્લા નજીક પહોંચ્યા તે સમયે અચાનક જ ખુટીયો બાઈક આડે આવી જતાં પ્રૌઢે એકટીવા પરનો કાબુ ગુમાવી દેતાં સ્લીપ થતા પટકાયેલા પ્રૌઢને શરીરે તથા માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ પ્રૌઢને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું ગુરૂવારે સાંજના સમયે સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર સબીર દ્વારા જાણ કરાતા હેકો ડી એ રાઠોડ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.