એસીબીએ નવસારી જિલ્લાના જિલ્લા પૂરવઠા અધિકારીને રૂા.1 લાખની લાંચ લેતા ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ અંગેની વિગત મુજબ, ફરિયાદી એલ.ડી.ઓ. (લાઈટ ડીઝલ ઓઇલ) અને લુબ્રીકેન્ટ ઓઇલનો વેપાર કરતા હોય ગત તા.8/9/2022 ના રોજ નવસારી જિલ્લા પુરવઠા અધિકારી વિશાલ રાજકુમાર યાદવ દ્વારા ફરિયાદીની ટાટા આઈસર ગાડી જેમાં એલ.ડી.ઓ. ભર્યુ હતું તે ગાડી રોકી લાયસન્સ, બીલ સહિતના કાગળો ચેક કર્યા હતાં. જે કાગળો ચેક કર્યા બાદ આરોપીઓએ ફરિયાદીની ગાડીને જવા દીધી હતી. ત્યારબાદ આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચ પેટે રૂા.1 લાખની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય ફરિયાદીએ એસીબીમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી.
જેના આધારે સુરત એસીબીના મદદનીશ નિયામક એન.પી. ગોહિલના સુપરવીઝન હેઠળ તાપી એસીબીના પીઆઇ એસ.એચ.ચૌધરી તથા સ્ટાફ દ્વારા નવસારી ગણદેવી રોડ પર આવેલ ઇટાળવા ગામમાં આવેલ રાજ હંસ થ્રિએટરના પાર્કિંગમાં લાંચનું છટકું ગોઠવી આરોપી જિલ્લા પૂરવઠા અધિકારી વિશાલ રાજકુમાર યાદવને રૂા.1 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધો હતો.