દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કલ્યાણપુર ખાતે જિલ્લા કલેક્ટર એમ.એ.પંડ્યાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. કલેકટરએ તિરંગો ફરકાવી સલામી આપી હતી.
આ તકે જિલ્લા કલેક્ટર એમ.એ. પંડ્યાએ ભારતના 76 મા સ્વાતંત્ર્ય પર્વની સૌને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, આપણો દેશ તેના અમૃતકાળ માંથી પસાર થઈ રહ્યો છે. ત્યારે દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર દેશના વીર સપુતોના સ્વપ્નનું ભારત હવે આકાર લઈ રહ્યુ છે. દેશની એકતા, અખંડીતતા અને ગૌરવના પ્રતિક સમાન તિરંગાના સન્માન માટે હર ઘર તિરંગાની સંકલ્પના આપવામાં આવી ત્યારે તમામ દેશવાસીઓ જાતી, ધર્મ કે સરહદોથી પર ઉઠીને તિરંગાના સન્માન માટે એક થઈએ અને એક ભારત શ્રેષ્ઠ ભારતનો મંત્ર સાર્થક કરી રહ્યા છીએ.
વધુમાં કલેક્ટરે જણાવ્યું કે, કોરોનાના કપરાકાળમાં પણ કોઈ વ્યક્તિ ભુખ્યો ના સુવે તે માટે સરકારે પૂરતી દરકાર લીધી છે. એર એમ્બ્યુલન્સ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લોકો માટે આશીર્વાદરૂપ બની છે.દર આરોગ્ય દિવસ અંતર્ગત બિન ચેપી રોગોના સ્કીનિંગનો નવતર અભિગમ અપનાવી ત્રણ કરોડ લોકોને આ યોજના હેઠળ આવરી લીધાં છે.
ખેતરે ખેતરે હરિયાળી ખુશી લહેરાય તે માટે રાજ્ય સરકારના દૂરદર્શી અભિગમને કારણે છેલ્લાં બે દાયકાથી ગુજરાતનો કૃષિ વિકાસ દર ડબલ ડિજિટમાં રહ્યો છે. ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ ઉપર વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યુ છે અને રાસાયણિક ખાતરોનો વપરાશ ઘટે તે દિશાના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. ડ્રોનના ઉપયોગથી દવા છાંટીને કૃષિ ઉત્પાદન વધે તે માટે તાજેતરમાં ડ્રોન પોલિસી પણ અમલમાં મૂકવામાં આવી છે. આ સિવાય પણ કૃષિક્ષેત્રે વિવિધ યોજનાઓ અમલમાં લાવવામાં આવી છે.
વધુમાં જણાવ્યું કે, ગામમાં પણ પાકા રસ્તા, શૌચાલયની સુવિધા, 24 કલાક વીજળી આપવા સહિતની વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. લોકોને ઘર આંગણે સેવા પૂરી પાડવા માટે સેવા સેતુના માધ્યમથી લોકોને ઘર આંગણે સેવા પૂરી પાડવામાં આવી રહી છે. સ્વ- સહાય જૂથોને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવાની પહેલ સરકાર દ્વારા કરવામાં આવી છે.
વન અધિનિયમ હેઠળ જમીન અને વન સંપ્રદાયના અધિકાર આદિવાસીઓને સુપ્રત કરવામાં છે. મહેસૂલી સેવા ઝડપી અને અસરકારક બનાવવામાં આવી છે. લેન્ડગ્રેબિંગનો કડક કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે. ગુજરાતમાં શાંતિ, સલામતી અને સુરક્ષા જળવાઈ રહે તે માટે ઈ- એફ.આર.આઇ., સી.સી.ટી.વી., વિશ્વાસ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યાં છે.
દ્વારકા નજીક શીવરાજપર બીચને વિકસાવી અદ્યતન પ્રવાસન સ્થળ બનાવવામાં આવી રહ્યું છે. વધુમાં કલેક્ટરએ જણાવ્યું કે, આઝાદી કા અમૃત મહોત્સવનો અર્થ મહામુલી આઝાદીના વિચારોનું નવતર સ્વરૂપે અમૃતમંથન છે. આ તકે વિશિષ્ટ કામગીરી કરનાર આરોગ્ય વિભાગ, 108 એમ્બ્યુલન્સની ટીમનું અને પોલીસ વિભાગના કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે પોલીસ વિભાગ દ્વારા પરેડ યોજવામાં આવી હતી. કાર્યક્રમ બાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી મુળુભાઈ બેરા, અગ્રણીઓ નથુભાઈ ચાવડા, નગાભાઈ ગાધેર, જગાભાઈ ચાવડા, અધિકારીઓ એસપી નિતેશ પાંડે, જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજા, અધિક નિવાસી કલકેટર કે.એમ.જાની, ડીઆરડીએ નિયામક ભાવેશ ખેર, દ્વારકા પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા, ડીવાયએસપી નીલમ ગોસ્વામી સહિતના અધિકારીઓ, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.