રિલાયન્સ ઈંડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ગ્રુપ પ્રેસીડેન્ટ ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શનમાં લાલપુર તાલુકાની 33 પ્રાથમિક શાળાઓ અને જામનગર તાલુકાની 24 પ્રાથમિક શાળાઓ મળીને જામનગર જિલ્લાની કુલ 57 સરકારી પ્રાથમિક શાળાઓના 11,000 થી વધુ વિદ્યાર્થીઓને શાળા ગણવેશ પૂરા પાડવામાં આવ્યા છે. નોંધપાત્ર બાબત એ છે કે, પ્રથમ વખત આ પહેલમાં આજુબાજુના ગામડાંની મહિલાઓના સ્વ-સહાય જૂથો પાસે કેટલાક ગણવેશ તૈયાર કરાવીને તેમના સિલાઈ કૌશલ્ય, વ્યાવસાયિકતા અને આત્મવિશ્વાસ વધે તેવી તક પણ પૂરી પાડવામાં આવી છે.
જામનગરના જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ દ્વારા તાજેતરમાં નાની ખાવડી પ્રાથમિક શાળા ખાતે પ્રતિકરૂપે ગણવેશનું વિતરણ કરીને આ પહેલનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સમર્થિત ‘સ્વાશ્રય’ મહિલા જૂથ સહિત લગભગ 15 જેટલાં સખી મંડળોએ 1500 જેટલા ગણવેશ તૈયાર કર્યા હતા. જિલ્લા વિકાસ અધિકારીએ આ પ્રસંગે આ સખીમંડળોને પણ પ્રોત્સાહિત કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, શાળાઓમાં નાની ઉંમરે વિદ્યાર્થીઓમાં સમાનતા અને ટ્રસ્ટીશીપના મૂલ્યો કેળવવામાં આવે તો સમાજમાં પ્રવર્તતા સામાજિક-આર્થિક અંતરને દૂર કરવામાં મદદ કરી શકે છે. બાળકોમાં સમાનતાના આ મૂલ્યો સાકાર કરવા માટે રિલાયન્સ દ્વારા શૈક્ષણિક વ્યવસ્થામાં અવિરત સહાયના વિવિધ અભિયાન ચલાવાઈ રહ્યાં છે.
જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજે નાની ખાવડીના સતી માતા મંદિર પાસેના અમૃત સરોવરની પણ મુલાકાત લીધી હતી અને સુંદર વાતાવરણની જાળવણી માટે ગ્રામજનોની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે નાની ખાવડી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફ, ગામના પ્રતિનિધિઓ, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.