દેવભૂમિ દ્વારકા ખાતે 8મી માર્ચના ફુલડોલ ઉત્સવ નિમિત્તે સમગ્ર દેશમાંથી પદયાત્રીઓ પગપાળા ચાલીને દ્વારકાધીશના દર્શને જઈ રહ્યા છે. ત્યારે જામનગર જિલ્લાની હદમાં પહોંચતા રોટરી કલબ ઓફ ઈમેજિકાના સહયોગથી આરટીઓ જામનગર, જિલ્લા ટ્રાફિક શાખા તથા જામનગર જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત રેડિયમ રિફલેકટર લગાડવાનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં દ્વારકા જતાં પદયાત્રીઓને રેડિયમ જેકેટ અને રેડિયમ સ્ટ્રીપ લગાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આરટીઓ જે.જે.ચુડાસમા, પીઆઈ એમ.બી.ગજ્જર તથા ટ્રાફિક પોલીસના જવાનો અને પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે પદયાત્રીઓને જેકેટ પહેરાવવામાં આવ્યાં હતાં. રેડિયમ જેકેટ પહેરાવવાનો ઉદેશ પદયાત્રા સમયે માર્ગ પરથી પસાર થતાં વાહનોને દુરથી જ દેખાય અને અકસ્માતમાં પદયાત્રીકોનો ભોગ ન લેવાય તે માટેનો છે. પોલીસ અધિકારીઓ દ્વારા પદયાત્રીઓને અકસ્માત ટાળવા માટે જરૂરી સૂચનો અને ચાલવા બાબતે માર્ગદર્શન આપ્યું હતું.