જામનગર શહેર તથા આસપાસના વિસ્તારોમાં અનેક સ્થળે ખાસ કરીને નીચાણવાળા અને ગરીબ ,પછાત વર્ગ ના વિસ્તારોમાં અતિવૃષ્ટિ તથા પુરના કારણે ગોઠણ ડૂબ-ગળા ડૂબ પાણી ભરાઈ ગયા જેના પરિણામે અસંખ્ય લોકોના ઘરમાં ઘર વખરી, ફર્નિચર, ગાદલાં – ગોદડા, કપડાં, અનાજ વગેરેને ભારે નુકશાન થયું છે. અનેક મકાનોને પણ નુકશાન થયું છે. ખાસ કરીને ઘરોમાં પાણી ભરાઈ જવાથી ગરીબ – નિમ્ન મધ્યમ વર્ગના પરિવારો કે જેમણે લોનથી, હપ્તે થી ટી.વી., પંખા, ફર્નિચર વગેરે લીધા છે. તેમના આ ઉપકરણોને નુકશાન થયું છે. બાર માસ ચાલે તેવા ભરેલા અનાજ પલળી ગયા છે. સંસ્કૃતી ફોઉન્ડેશન દ્વારા જયારે અસરગ્રસ્ત વિસ્તારોમાં 12,000 જેટલી ફૂડ કીટનું વિતરણ કરવામાં આવ્યું ત્યારે અમુક વિસ્તારોમાં ઘરે ઘરે જઈ ત્યાંના રહીશોને મળી તેમની લાચારી જોઈ છે અને પરિસ્થતિ જોઈ છે. આ તમામ બાબતોનું ઝીણવટથી દરેક નુકસાનીની વિગતો નો સર્વે કરી અસરગ્રસ્ત પરિવારને તે પ્રમાણે પૂરેપૂરી નાણાકીય સહાય મળે તે માટે શેતલબેન શેઠ દ્વારા મુખ્ય મંત્રીને નમ્ર વિનંતી કરવામાં આવી હતી.
હાલ સરકારી તંત્ર દ્વારા સર્વે ની કામગીરી ચાલી રહી છે.તેમાં અરજદારોની સહી ફોર્મ ઉપર લઈ જે તે ઘર નો સર્વે થઈ ગયો હોય તેવી ઉપરછલ્લી કામગીરી થઈ રહી હોવાનું જાણવા મળે છે. જો આવી રીતે કામગીરી થશે તો નુકશાની ની સાચી વિગતો તંત્ર સુધી પહોંચશે નહિ અને અસરગ્રસ્તો ને યોગ્ય સહાય કે રાહત મળશે નહિ. આથી સર્વે ની કામગીરી ઝડપથી થઈ રહી છે તે ખરેખર આવકારદાયક છે, પણ કોઈ અસરગ્રસ્તને અન્યાય ન થાય એવા પગલાં લેવા ભારપૂર્વકની વિનંતી કલેકટર ડો.સૌરભ પારઘીને કરવામાં આવી હતી.