જામનગર શહેરના હાપા જવાહરનગર-1 નજીક પાણીની પાઈપલાઈન રીપેર કરી આપવા બાબતે માતા-પુત્રએ મહિલા ઉપર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. જવાહરનગરમાં વિસ્તારમાં મકાનનું કામકાજ ચાલુ હોવાથી પાયા ખોદતી વખતે પાડોશીના પાણીની પાઈપલાઇન તૂટી જવાથી રીપેર કરી આપવાનું કહેતા માતા-પુત્રએ મહિલાને લાકડાના ધોકા વડે માર મારતા પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાઈ છે.
જામનગરના હાપા જવાહરનગર વિસ્તારમાં રહેતા ભાનુબેન ગગુભાઈ ગોહીલ નામના મહિલાના ઘરની બાજુમાં સુરેશભાઈ નામના વ્યક્તિનું નવું મકાન બનાવવાનું કામકાજ ચાલુ હોય તે દરમિયાન પાયા ખોળતી વખતે ભાનુબેનના ઘરના પાણીની પાઈપલાઇન તૂટી જતા રીપેર કરી આપવાનું કહ્યું હતું. પરંતુ 15 દિવસ બાદ પણ પાઈપલાઇન રીપેર ન થઇ હોવાથી તેને કહેવા જતા સુરેશભાઈના પત્ની મીનાબેન તથા તેના દીકરા ઈશ્વર ઉર્ફે શેમ્પુ સુરેશભાઈ પરમારે મહિલાને હાથમાં અને વાસાના ભાગે ધોકા વડે ઈજાઓ પહોચાડી હતી. આ મામલે પંચકોશી એ ડીવીઝન પોલીસ દફતરે બન્ને વિરુધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.